અમદાવાદઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોનાને કાબુમાં લેવા માટે તંત્ર પણ કામે લાગ્યું છે. રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ કરાશે. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યું હતું કે, 26 શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે.
જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે.
ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની 26 સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં આર ટી પી સી આર ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ જશે.અહીં એ સ્પષ્ટતા જરૂરી છે કે, દર્દીઓ સીધા જ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ટેસ્ટ માટે નહીં જઈ શકે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર સેમ્પલ કલેક્ટ કરીને આ લેબોરેટરીઓ મારફતે આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મેળવી આપશે.
રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. રાજ્યમાં આજે વિક્રમજનક 10,340 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,891 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં સતત વધી રહેલા કેસના કારણે અમદાવાદ અને સુરતની હાલત ખસ્તા થઈ ગઈ છે. આ બંને શહેરોમાં 2500થી વધુ કેસ છેલ્લા કેટલાક દિવસોથી નોંધાઈ રહ્યા હોવાના કારણે સરકાર ચિંતિત છે. દરમિયાનમાં આજે 110 દર્દીનાં દુ:ખદ નિધન થયા છે. અમદાવાદમાં આજે વિક્રમજનક 3694 કેસ નોંધાયા છે.
દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3694, સુરતમાં 2395, રાજકોટમાં 811, વડોદરામાં 589, મહેસાણામાં 389, જામનગરમાં 366, પાટણમાં 158, ભાવનગરમાં 198, બનાસકાંઠામાં 112, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમાં 98, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91, મહીસાગરમાં 89, સાબરકાંઠામાં 82, ગાંધનગરમાં 150, પંચમહાલમાં 74, જૂનાગઢમાં 122, મોરબીમાં 54, ખેડામાં 69, દાહોદમાં 69, બોટાદમાં 48, ગીરસોમનાથમાં 42, નર્મદામાં 42, અરવલ્લીમાં 32, છોટાઉદેપુરમાં 23, પોરબંદરમાં 18, ડાંગમાં 7 મળીને કુલ 10,3410 નવા કેસ નોધાયા છે.