નવી દિલ્હી: ગુજરાત અને દેશમાં કોરોનાની અત્યંત દયનીય પરિસ્થિતિ છે ત્યારે દેશમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. કોરોના રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે દેશમાં 1,340 લોકોનાં મોત થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે.
શુક્રવારે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે દેશમાં 2,33,869 નવા કેસ નોંધાયા છે. કોરોનાને પગલે દેશના મોટાભાગના હિસ્સાઓમાં કડક નિયમો લગાવવામાં આવ્યા છે. દેશમાં 15 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં હાલ નાઇટ કર્ફ્યૂ અથવા વીકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના પ્રતિબંધને પગલે દેશની અડધી (57%) વસ્તી હાલ ઘરોમાં કેદ છે.
શુક્રવાર પહેલા ભારતમાં છેલ્લે સૌથી વધારે મોત સપ્ટેમ્બરમાં નોંધાયા હતા, જે આંકડો 1,284 હતો. એક વિશ્લેષણ પ્રમાણે આગામી બે દિવસમાં દેશભરમાં 700 મિલિયનથી વધારે લોકો સીમિત સમય માટે કર્ફ્યૂનો સામનો કરશે. હકીકતમાં ભારતમાં કોવિડ-19ને પગલે જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે તેનાથી આવા પ્રતિબંધો જરૂરી બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલ સુધી દરરોજ કોરોનાના 188,400 નવા કેસ નોંધાયા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન પીક સમય દરમિયાન આટલા કેસ સામે આવ્યા ન હતા. 16 સપ્ટેમ્બર, 2020ના જ્યારે કોરોના પીક પર હતો ત્યારે ભારતમાં 93,617 નવા કેસ નોંધાયા હતા. એ રીતે જોઈએ તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એટલે કે બીજી લહેરમાં કોરોનાને કેસ બે ગણા થઈ ગયા છે.