સુરતઃ તાજેતરમાં 25 વર્ષથી લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી. સુરતના ડિંડોલીમાં રેલવેની દિવાલ પાસે આવેલ સંતોષીનગરમાં ઝુપડામાં છેલ્લા 25 વર્ષથી લીવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા 65 વર્ષીય મહિલાની તેના 45 વર્ષના પ્રેમીએ જમવાનું નહી બનાવતા ઝઘડો કરી ગળુ દબાવી હત્યા કરી હતી. રોજ દારૂ પીને પ્રેમીકાને ઢોર મારમારતા પ્રેમીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહિલાનું બીમારીની કારણે મોત નિપજ્યું હોવાનુ રટણ કર્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફુટી ગયો હતો. બનાવ અંગે શરુઆતમાં અકસ્માત મોતના કેસની તપાસ કરનાર પીએસઆઈ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની હત્યારા પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડિંડોલીમાં સંતોષીનગર સોસાયટીમાં રહેતા 65 વર્ષીય સુલતાનાબેનને ગત તારીખ 13મીના રોજ સવારે તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા રોહિત સીમાંચલ સ્વાઈ (ઉ.વ.45) સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.
રોહિતે પોલીસ સમક્ષ સુલતાના બીમાર હોવાથી તેની તબિયત બગડતા સારવાર માટે લાવ્યો હોવાનું રટણ ચલાવ્યું હતું, જેતે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન પીએમ રિપોર્ટમાં સુલતાનાબેનનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા પોલીસ ચોકી ઉઠી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સુલતાના અને રોહિત સ્વાઈ વચ્ચે પ્રેમસંબંધ હતો અને તેઓ છેલ્લા 25 વર્ષથી લીવ ઇન રિલેશનશિપમાં સાથે એકલા રહે છે. રોહિત સ્વાઈ રોજ સાંજે દારૂ પી ઘરે આવી સુલતાનાને મારઝુડ કરતો હોવાનુ બહાર આવ્યું હતું. બનાવના દિવસે સુલતાનાની તબિયત સારી ન હોવાથી જમવાનું બનાવ્યું ન હતું. જેને લઈને રોહિતે તેની સાથે ઝઘડો કરી મારઝુડ કરી ગળુ દવાબી હત્યા કરી હોવાનુ બહાર આવ્યું હતું.
આ અંગે શરુઆતમાં અકસ્માતે મોતની તપાસ કરનાર પીએસઆઈ વાય.જી.મુથકિયાએ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની રોહિત સ્વાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.