અમદાવાદ: કોરોના કાળમાં મહત્વનું ઈન્જેક્શન ગણાતા રેમડેસિવીર ઈન્જેક્સનની કાળા બજારીનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને કાળા બજારી કરતા લોકોને પકડી રહ્યું છે ત્યારે વધુ એક હોસ્પિટલનો મેનેજર ઝડપાયો છે. હૉસ્પિટલના કર્મચારીની સંડોવણી સામે આવતા નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજોના આધારે ઇન્જેક્શનનો જથ્થો મેળવતા ડોક્યુમેન્ટની પોલીસે ખરાઈ હાથ ધરી છે.
હાલ, રોજેરોજ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. હૉસ્પિટલના સ્ટાફ જ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી કરી રહ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની એક કેસની તપાસમાં સામે આવ્યું હતુ. તો હવે નવરંગપુરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. સેવીયર હોસ્પિટલ સ્ટાફે બનાવટી ડોક્યુમેન્ટ આધારે રેમડેસિવીર જથ્થો મેળવ્યો હતો. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી હોસ્પિટલના મેનેજર દ્વારા કરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. નવરંગપુરા પોલીસે આશ્રમ રોડ પર આવેલા સેવીયર હોસ્પિટલના મેનેજર દેવાંગ ઠાકરની આવા જ એક ગુનામાં ધરપકડ કરી છે. જેમાં બનાવટી ડોક્યુમેન્ટ ઉપયોગ કરી એસ.વી.પી.હૉસ્પિટલમાંથી 30 જેટલા ઇન્જેક્શન મેળવી લીધા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે આરોપી દેવાંગ ઠાકર ઝડપી પાડ્યો છે.
ઇન્જેક્શનના કાળા બજારી કરનાર હૉસ્પિટલ મેનેજરની મોડ્સ ઓપરેન્ડી પર વાત કરીએ તો, આરોપી દેવાંગ ઠાકરે હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓની માહિતી અને હૉસ્પિટલ લેટરપેડ, ડોક્ટર આઈ કાર્ડમાં ચેડાં કરી હૉસ્પિટલના સતાધીશોની જાણ બહાર બે દિવસમાં 30 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મેળવી લીધો હતો. જે ઇન્જેક્શન દર્દીઓને ન મળતા હૉસ્પિટલ સત્તાધીશોએ ખરાઈ કરતા કાળા બજારીનો ભાંડો ભુટ્યો હતો અને હૉસ્પિટલ મેનેજર જેલના સળિયા પાછળ ધકેલાયો છે.
સરકાર રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનો દાવો કરી રહી છે. પરંતુ એજન્ટો ઇન્જેક્શનની કાળા બજારી ખુલ્લેઆમ કરી રહ્યા હોવાથી દર્દીઓને ઇન્જેક્શન મળતા નથી. જો આ કાળા બજારી અટકાવવા સરકાર નક્કર પગલાં નહિ લે તો કાળા બજારી અટકશે નહિ અને પ્રજાને હાલાકીનો સામનો કરવાનો વારો આવશે.