રાજકોટમાં ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના નામે રૂ.42 હજારથી 45 હજાર સુધીની રકમ માગવાના ચકચારી પ્રકરણમાં ભાજપ ના આગેવાન સંજય ગોસ્વામી ની ભૂમિકા બહાર આવી છે અને આ પ્રકરણમાં મયૂર ગોસાઈ નામના શખ્સને પોલીસે સકંજામાં લીધા બાદ તેણે કબૂલાત આપી હતી કે, ભાજપ અગ્રણી સંજય ગોસ્વામી સાથે મળીને દર્દીના સંબંધીને ઇન્જેક્શન માટે મેસેજ અને ફોન કર્યો હતો અને ઇન્જેક્શન આપ્યા વગર જ પૈસા મેળવવા માટે મેસેજ અને ફોન કર્યો હતો.
સિવિલ હોસ્પિટલમાંથી કોઇપણ પ્રકારના સર્ટિફિકેટ કઢાવવામાં પણ ભાજપ ના આગેવાન સંજય ગોસ્વામીનો લોકો સંપર્ક કરતા હોવાનું કહેવાય છે અને સ પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો જેલમાથી બહાર આવવાના તેમજ સરકારી કર્મચારીને રજા પર જવું હોય ત્યારે માંદગીના સર્ટિફિકેટ કઢાવવામાં પણ કૌભાંડ માં સંજયની ભૂમિકા બહાર આવી શકે તેમ હોવાની ચર્ચા છે
વોર્ડ નં.4ના ભગવતીપરા વિસ્તારમાં રહેતો ભાજપ નો આ આગેવાન સંજય બચુગીરી ગોસ્વામી ભાજપમાં વિવિધ હોદ્દા પર રહી ચૂક્યો છે, યુવા ભાજપમાં ઉચ્ચ હોદ્દા પર રહી ચૂકેલો સંજય અગાઉ વોર્ડ નં.4નો પ્રમુખ , તાજેતરમાં જ યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.4માંથી ભાજપમાંથી ઉમેદવાર તરીકેની દાવેદારી કરી હતી, પરંતુ તેમાં કપાયો હતો, કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે સંજયને વોર્ડ નં.15ના પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી, ચૂંટણીમાં ભાજપે શહેરના 18માંથી 17 વોર્ડમાં ઝળહળતો વિજય મેળવ્યો હતો, એક માત્ર વોર્ડ નં.15માં ભાજપને હાર મળી હતી, અને આ વોર્ડની જવાબદારી સંજયે સંભાળી હતી.
પોલીસ તપાસ માં બહાર આવેલી વિગતો માં ભાજપના નેતા સંજયગીરી ગોસ્વામી એ સિવિલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીના સંબંધીને મેસેજ બાદ ફોન કરીને કહ્યું, દર્દીને બે ઇન્જેક્શન આપી દીધાં છે; રૂ.45 હજાર આપવાના રહેશે
દર્દીના સંબંધી પાસેથી પૈસા પડાવવાના પ્રકરણમાં બે સામે ગુનો નોંધાયો છે અને સંજય ને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
ઇન્જેક્શનના નામે પૈસા પડાવવા મામલે અહીં લક્ષમીવાડીમાં રહેતા જયંતીભાઇ ત્રિભોવનભાઇ શિશાંગિયા (ઉ.વ.70)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય બચુગીરી ગોસ્વામી અને મયૂર હસમુખ ગોસાઇના નામ આપ્યા હતા. જયંતીભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ભાણેજ ઉર્મિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાંથી મયુર ગોસાઇએ ડોક્ટર સાથે વાત કરાવી હતી અને ઇન્જેકશન મારવુ પડશે તેવું કહી 45 હજારનો ખર્ચ થશે તેમ જણાવ્યુ હતુ.
બાદમાં તપાસ કરતા ઇન્જેકશન ન માર્યાનું ઉર્મીલાએ કહ્યુ હતુ. બાદમાં મયુરે રૂપિયા માંગ્યા હતા અને રૂપિયા લેતા પોલીસે તેને ઝડપી લીધો હતો. મયુરે ભાજપના આગેવાન સંજય ગોસ્વામી આ સમગ્ર પ્રકરણમાં સામેલ હોવાની કબૂલાત આપી હતી. છેતરપિંડીના પ્રયાસનો કિસ્સો પ્રકાશમાં આવતા સંજય ફરાર છે તેને પકડવા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.