રાજકોટ માં કોરોનાની સ્થિતિ અત્યંત ભયજનક બની છે ગત મંગળવારે 385 કેસ આવ્યા બાદ બુધવારે 490 કેસ આવ્યા છે જેમાં શહેરના 395 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 95 કેસ આવ્યા હોવાનું નોંધાયું છે. રાજકોટમાં 24 કલાકમાં 24 મોત થયા છે પરિણામે દર કલાકે એક દર્દી કોરોનાની સારવાર દરમિયાન મોત ને ભેટી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આંકડાઓ તંત્રએ જાહેર કરેલા છે તે જોતા મૃત્યુઆંક તેના કરતા વધુ પણ હોય શકે છે કારણ કે સ્મશાનોમાં હાલ અંતિમવિધિ માટે જગ્યા નથી અને લાઈનો લાગી રહી છે આ જ કારણોસર માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં જ કોવિડના મૃતદેહોને અંતિમવિધિ આપવાના નિયમમાં સુધારો કરી લાકડાંમાં પણ અંતિમવિધિ કરવા આદેશ કરાયો છે.
રાજકોટ ના ચાર સ્મશાન અને કબ્રસ્તાનમાં બુધવારે સવારથી સાંજે 7.30 સુધીમાં કોવિડ પ્રોટોકોલથી કુલ 53 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. 104 સેવા માં એક જ દિવસમાં 900 કોલ આવ્યા હોવાનું નોંધાયું છે અને હાલ 21 જ વાહન હોવાથી સતત વાન દોડી રહી છે. હોમ આઈસોલેશનમાં પણ સંખ્યા વધી છે ત્યારે હોમ આઈસોલેશનના દર્દીઓ સુધી પહોંચવાની વાત તો દૂર તંત્ર ટેસ્ટ કરવામાં પણ હાંફી ગયું છે અને ટેસ્ટ કિટની અછતની બૂમરાણ ઊઠી છે. 104 સેવામાં વધુ 10 વાહનો ઉમેરાશે. ઉપરાંત મવડી ચોકડી, આકાશવાણી ચોક અને રામાપીર ચોક ખાતે નવા ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવનાર છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા ભાવનગર મેડિકલ કોલેજમાંથી તાબડતોબ 20 વેન્ટિલેટર મગાવાયા હતા ત્યારબાદ બપોરે જ એક ટ્રક ભરીને 40 ધમણ-3 વેન્ટિલેટર હોસ્પિટલમાં ઉતારાયા હતા. હવે સિવિલમાં વેન્ટિલેટરની સંખ્યા 261 થઈ છે.
આમ સુરત બાદ રાજકોટ માં પણ સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે.