ભારતીય ટેસ્ટમાં જુનીયર વોલ ચેતેશ્વર પજારાએ ઝારખંડ સામેની રણજી મેચમાં 204 રન બનાવવાની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ચેતેશ્વર પૂજારાએ ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં આ 12મી બેવડી સદી હતી. તે આ સાથે સૌથી વધુ 200 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ચેતેશ્વર પૂજારાએ વિજય મર્ચન્ટને પાછળ છોડયા હતા જેમના નામે 11 વખત 200 કે તેથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હતો.
ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં છ વખત જ્યારે ભારત તરફથી રમતાં ત્રણ વખત બેવડી સદી ફટકારી ચૂક્યો છે. ચેતેશ્વર પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ ૪૨મી સદી ફટકારવાની સાથે લય પણ મેળવી હતી. પૂજારા છેલ્લી નવ ફર્સ્ટ ક્લાસ ઇનિંગમાં એકેય અર્ધી સદી ફટકારી શક્યો નહોતો. તેણે 18, 34, 28, 4, 0, 14, 12, 35 અને 13 રનના સ્કોર બાદ 204 રન બનાવ્યા હતા.
ઝારખંડ સામેની મેચ દરમિયાન ચેતેશ્વર પૂજારાએ 355 બોલનો સામનો કરતાં 28 ચોગ્ગા ફટકાર્યા હતા. મેચના બીજા દિવસે પૂજારા અને ચિરાગ જાનીએ પાંચ વિકેટે 341 રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી. પૂજારાએ ચિરાગ સાથે મળી છઠ્ઠી વિકેટ માટે 210 રનની ભાગીદારી નોંધાવી હતી. ચેતેશ્વર પૂજારા 204 રન બનાવી નદીમનો શિકાર બન્યો હતો. ચિરાગ જાનીએ પણ 108 રન બનાવ્યા હતા જેના સહારે સૌરાષ્ટ્રે પોતાની ઇનિંગ નવ વિકેટે 553 રન બનાવી ડિક્લેર કરી હતી.
જેના જવાબાં ઝારખંડની શરૂઆત ખાસ રહી નહોતી અને બીજા દિવસની રમતના અંતે ૫૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ઝારખંડ હજુ 501 રન પાછળ છે. સૌરાષ્ટ્ર તરફથી બંને વિકેટે જયદેવ ઉનડકટને મળી હતી.
ગુજરાત સામે હરિયાણા 157 રનમાં ઓલઆઉટ
પીયૂષ ચાવલા અને સિદ્ધાર્થ દેસાઈની ઘાતક બોલિંગના સહારે ગુજરાતની ટીમે હરિયાણાને 157 રનમાં ઓલઆઉટ કરી બેકફૂટ પર ધકેલી દીધી હતી. પીયૂષ ચાવલાએ ચાર અને સિદ્ધાર્થ દેસાઈએ ત્રણ વિકેટ ઝડપી હતી. બે વિકેટ ચિંતન ગજાને મળી હતી. ગુજરાતની ટીમે પ્રથમ દાવમાં 236 રન બનાવ્યા હતા જેને કારણે 79 રનની સરસાઈ મળી હતી જ્યારે ગુજરાતે બીજા દાવમાં પંચાલના અણનમ 61 રનની મદદથી બીજા દાવમાં બે વિકેટે 110 રન બનાવી ગુજરાતની ટીમે કુલ 189 રનની સરસાઈ મેળવી લીધી છે. હરિયાણાની ટીમે 48 રનના સ્કોરમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે વિકેટકીપર રોહિતકુમાર શર્માએ અણનમ 65 રન અને હિમાંશુ રાણાએ 50 રન બનાવતાં ટીમનો સ્કોર 157 રન થયો હતો. ટીમ તરફથી હર્ષલ પટેલે પણ 23 રનનું યોગદાન આપ્યું હતું.