આજકાલ પહેલા ની જેમ પવિત્ર સબંધો રહ્યા નથી એટલે જ હવે ઘરના કે કુટુંબ ના સભ્યો ઉપર પણ ભરોસો મુકાય તેવા દિવસો રહ્યા નથી આવા જ એક બનાવ માં પોતાના જ કુટુંબ ના કાકા સાથે ઢોર ચરાવવા બાળા ને મોકલવાનું ભારે પડ્યું હતું અને આંધળો વિશ્વાસ કરવો પરિવાર ને ભારે પડ્યો હતો.
ગોંડલ નજીક આવેલા રીબ ગામમાં રહેતી એક બાળા પર તેના કૌટુંબિક કાકા અને ભત્રીજાએ છેલ્લા નવ મહિના દરમિયાન અનેક વખત દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી થઈ જતા આ કિશોરી એ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા આખી ઘટના બહાર આવી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ થતા ગોંડલ તાલુકા પોલીસે કિશોરી ના કૌટુંબિક કાકા અને ભત્રીજા સામે દુષ્કર્મ અંગે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી છે.
ગોંડલના એક મેટરનિટી હોમમાં એક કિશોરી એ બાળકને જન્મ આપ્યો હતો અને આ ઘટના દુષ્કર્મની હોવાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી ગયો હતો અને તપાસમાં ખુલાસો થયો કે આ કિશોરી જ્યારે રીબ ગામની સીમમાં ઢોર ચરાવવા જતી હતી ત્યારે તેના કૌટુંબિક કાકા સંજય સંગ્રામભાઈ મેવાડાએ દુષ્કર્મ આચર્યું હતુ તે દરમ્યાન કૌટુંબિક ભત્રીજો વિશાલ ભૂપત મેવાડા તેના કૌટુંબિક કાકા સંજય મેવાડા દુષ્કર્મ કરતા હતા તે જોઈ ગયો હતો આથી તેણે પણ આ વાત અન્ય લોકોને કહી દેવાની ધમકી આપીને કિશોરી સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. છેલ્લા 9 માસ દરમિયાન કૌટુંબિક કાકા-ભત્રીજાએ યુવતીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું આથી તે ગર્ભવતી થઈ ગઈ હતી. સોમવારે યુવતીને ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ પરિવારજનો સમક્ષ આખી વાત કિશોરી એ જણાવતા બંને સામે ગોંડલ તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ દુષ્કર્મની ફરિયાદ ન થાય તે માટે ગોંડલ પંથકના એક રાજકીય અગ્રણીએ ધમપછાડા શરૂ કર્યા હતા અને હોસ્પિટલે જઈને ભોગ બનનાર કિશોરી ના પરિવારજનોને લાલચ આપીને તેમજ બાળકને આજીવન સાચવવાની ખાતરી આપી બધું રફેદફે કરી દેવા માગતા હતા, પરંતુ આ ઘટના અંગે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘને જાણ થતા તેઓએ ફરિયાદ નોંધવા કડક આદેશ કરતા સોમવારે રાત્રીના યુવતીના કૌટુંબિક કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ હતી અને બંને નરાધમો ની ધરપકડ કરી હતી.
