આજે દિલ્લીમાં પહેલી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતી પહેલા બોલીંગ પસંદ કરી છે. આજની મેચમાં આશિષ નહેરા પોતાની અંતિમ આંતરરાષ્ટ્રિય મેચ રમી રહી છે. ત્યારે શ્રેયાશ ઐય્યર ટી20 આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ડેબ્યુ કરી રહ્યો છે. ભારત આજે ત્રણ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમરા અને આશિષ નહેરા તો બે સ્પિનર અને બે ઓલ રાઉન્ડર અક્ષર પટેલ અને હાર્દીક પંડ્યાને લઇને મેદાન પર ઉતરશે.
વન-ડે સિરીઝમાં ૨-૧થી સિરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા અહીં યોજાનારી પ્રથમ ટી-૨૦માં ભરપૂર આત્મવિશ્વાસ સાથે ન્યૂઝીલેન્ડનો સામનો કરવા ઊતરશે. વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમ ઇન્ડિયાનું પ્રથમ લક્ષ્ય સિનિયર ખેલાડી આશિષ નેહરાને વિજયી વિદાય આપી ન્યૂઝીલેન્ડ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં જીતનું ખાતું ખોલાવવા પર રહેશે. લગભગ ૧૯ વર્ષ પહેલાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર નેહરાએ અગાઉ જાહેરાત કરી હતી કે, તે પોતાનાં ઘરેલુ મેદાન ફિરોજશાહ કોટલામાં યોજાનાર ટી-૨૦ મેચ તેની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ હશે. આ ૩૮ વર્ષીય બોલરે ભારત તરફથી પોતાની અંતિમ મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં બેંગ્લુરૂમાં રમી હતી પરંતુ નિવૃત્તિની જાહેરાત કરી હોવાથી તેનું આ મેચમાં રમવું નિશ્ચિત મનાઈ રહ્યું છે. ભુવનેશ્વર ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વન-ડેમાં ખર્ચાળ સાબિત થયો હતો જેને કારણે તેના સ્થાને નેહરાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરાય તેવી શક્યતા છે.
મેચ જીતશે તો બનશે આ રેકોર્ડ
જો ભારતીય ટીમ વિજય મેળવે તો ન્યૂઝીલેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ જીત હશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી કુલ પાંચ ટી-૨૦ મેચ રમાઈ છે અને દરેક વખતે ભારતને હારનો સામનો કરવો પડયો છે. ભારત આ હારના ક્રમને તોડવાના સાથે અંતિમ બે વન-ડેમાં મળેલી જીતની લયને પણ જાળવી રાખવા ઊતરશે. ન્યૂઝીલેન્ડ એક માત્ર એવી ટીમ છે જેની સામે ટી-૨૦ ક્રિકેટમાં જીત મળી નથી. જોકે, ભારતીય ટીમ વર્તમાન સમયમાં જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોતાં આ ક્રમ તૂટી શકે છે પરંતુ ન્યૂઝીલેન્ડને પરાજય આપવો એટલો આસાન પણ નહીં હોય. ન્યૂઝીલેન્ડની ટીમે જે રીતે વન-ડે સિરીઝમાં દેખાવ કર્યો હતો તે જોતાં ટી-૨૦ સિરીઝ રોમાંચક બની રહે તેવી શક્યતા છે.
નાઇટ મેચમાં ટોસની મહત્વ ભુમીકા
મેચ સાંજે સાત વાગ્યે શરૂ થનાર છે જેને કારણે ઝાકળની ભૂમિકા પણ મહત્ત્વની હોવાને કારણે ટોસ જીતનાર ટીમ પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લેશે. ભારતીય ટીમ નવી દિલ્હીમાં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ અહીં ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપમાં રમી ચૂકી છે. જેમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે સાત વિકેટે પરાજય થયો હતો.