મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહા રાજપુતની આત્મહત્યા બાદ બોલિવૂડ જગતમાં એક નવો વળાંક આવ્યો હતો. ડ્રગ્સ કેસનો નવો ફણગો ફૂટ્યો હતો. ડ્રગ્સ કેસમાં એક પછી એક અનેક અભિનેતા- અભિનેત્રીઓની પૂછપરછ અને ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીએ વધુ એક અભિનેતાની ધરપકડ કરી છે. અભિનેતા એજાજ ખાનની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારીઓએ મંગળવારે રાતે મુંબઇ એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. એજાજ રાજસ્થાનથી જેવો મુંબઇના એરપોર્ટ પર ઉતર્યો ત્યાં જ એનસીબીના અધિકારીઓએ તેની નારકોર્ટિક્સ કેસમાં પૂછપરછ માટે અટકાયત કરી લીધી હતી. આજે એટલે બુધવારે સવારે 8 કલાકની પૂછપરછ બાદ એનસીબીએ એજાજની ધરપકડ કરી લીધી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ NCBની ટીમને એજાજ ખાન અને બટાટા ગેંગની વચ્ચે થોડી લિંક મળી હતી. જે બાદ NCBએ એજાજ ખાનને કસ્ટડીમાં લીધો હતો.તમને જણાવી દઈએ કે આવું પ્રથમવાર નથી કે અભિનેતા આવી મુશ્કેલીમાં ફસાયો હોય. ગયા વર્ષે અભિનેતાની ફેસબૂક પર એક વિવાદિત વીડિયો પોસ્ટ કરવાના કારણે ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેમની કલમ 153A હેઠળ ધરપકડ થઈ હતી.
આ પહેલા 2018માં મુંબઈમાં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. તેમની બેલાપુર હોટલથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસ પર એજાજ ખાને ક્યારેય કોઈ કમેન્ટ કરી નથી.
શનિવારે અંધેરીમાં એનસીબી દ્વારા એજાજના ઘરે છાપો મારવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ અંધેરીમાં કરેલી કાર્યવાહીમાં અંદાજે અઢી કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી અંધેરીથી મીરા રોડ વચ્ચે ડ્રગ્સ સપ્લાય કરનારા રીઢા ડ્રગ તસ્કર સહિત બે જણની ધરપકડ કરી હતી.
આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં ભારતીય અને વિદેશી ચલણ પણ મળી આવ્યું હતું. એનસીબીએ ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ શાદાબ શેખ ઉર્ફે શાદાબ બટાટા અને શાહરુખ ખાન ઉર્ફે શાહરુખ બુલેટ તરીકે થઈ હતી. હવે જોવાનું એ રહ્યું કે, ડ્રગ્સ કેસમાં અભિનેતાની ધરપકડ બાદ કયા મોટા માથાઓના નામ સામે આવશે.