મ્યાંમારઃ ભારતનો પડોશી દેશ મ્યાંમાર અત્યારે વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. અહીંની સેનાની તાનાશાહીની ચર્ચા અત્યારે ચાલી રહી છે. અત્યારે મ્યાંમારમાં હિંસા ફાટી નીકળી છે. મ્યાંમારની સેના અને સમાન્ય લોકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યા છે. ત્યારે નાના-મોટાં 24 જેટલાં શહેરોમાં લશ્કર સામે દેખાવો થયા હતા. લશ્કરે નાગરિકો પર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેના કારણે એક જ દિવસમાં 100 કરતાં વધુ લોકોનાં મોત થયાં હતાં.
મ્યાંમારમાં લશ્કરે વધુ એક વખત બર્બરતા આચરી હતી. નાના-મોટાં ૨૪ શહેરોમાં હિંસા થઈ હોવાના મીડિયા અહેવાલો રજૂ થયા હતા. હ્મુમન રાઈટ્સ સંગઠનોના દાવા પ્રમાણે આ હિંસામાં એક જ દિવસમાં મ્યાંમારના 100 કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. લશ્કરી શાસન પછી એક જ દિવસમાં સૌથી વધુ મોત થયા હતા.
અહેવાલો પ્રમાણે યંગૂનમાં ૨૪ લોકોને લશ્કરે ઠાર કર્યા હતા. મંડલેમાં ૨૯ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. એમાં પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. લશ્કરી બળવાનો વિરોધ કરી રહેલાં સંગઠન સીઆરપીએચના કહેવા પ્રમાણે લશ્કરી શાસન પછી આ સૌથી ખરાબ દિવસ હતો. એક જ દિવસમાં ત્રણ આંકડાની નજીક મૃત્યુ થયાં હોય એવું પહેલી વખત થયું હતું. અગાઉ એક જ દિવસમાં ૭૦ કરતાં વધુ લોકોનો ભોગ સૈન્યએ લીધો હતો.
મ્યાંમારમાં સૈન્ય બળવો થયો તે પછી અત્યાર સુધીમાં ૩૫૦થી ૪૦૦ નાગરિકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. મ્યાંમારના સૈન્યએ બર્બરતાની હદ પાર કરી દીધી છે. મીડિયા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.
આ ઘટના અંગે સૈન્યના પ્રવક્તાએ કોઈ જ જાણકારી આપી ન હતી. સરકારી ટીવી ચેનલે પણ પ્રદર્શનનો અહેવાલ આપ્યો હતો, પરંતુ મૃત્યુ આંક અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. આર્મીની ટેલિવિઝન ચેનલે કહ્યું હતું કે આર્મી દિવસની ઉજવણીમાં આર્મીના જવાનો પર હુમલો કરનારા લોકો પર કાર્યવાહી કરવામાં આવી હતી.