રાજકોટઃ નશાના કારોબારમાં પંજાબ પંકાયેલું છે. જોકે, હવે ગુજરાત પણ પંજાબના ચીલે ચાલી રહ્યું છે. નશિલા પદાર્થોનો કાળોકાબોર ગુજરાતમાં થઈ રહ્યો છે. પોલીસ છાસવારે ડ્રગ્સ સાથે યુવકોને દબોચી લેતી હોય છે ત્યારે રાજકોટ પોલીસે બે યુવકોને ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આ નશિલો પદાર્થ મેફેડ્રોન હાઈડ્રોક્લોરાઈડ હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, “ચોથી જાન્યુઆરીના રોજ સંત કબીર રોડ પાસે હનુમાનજી મંદિર પાસે રાત્રી કર્ફ્યૂ દરમિયાન દીક્ષિત વ્યાસ તેમજ આલસુર ઘેડીયા નામના વ્યક્તિ એક્ટિવા લઈને નીકળ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન બંને પાસેથી સફેદ દાણાદાર માદક પદાર્થ મળી આવ્યો હતો.”
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ સફેદ દાણાદાર વસ્તુ અંગે બંને યુવાનો સંતોષકારક જવાબ ન આપી શકતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ નોંધ કરી તલાશી દરમિયાન મળી આવેલો માદક પદાર્થ પરીક્ષણ અર્થે ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતેથી માદક પદાર્થ મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડ હોવાનું સામે આવતા બંને યુવાનો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ કુવાડવા પોલીસ સ્ટેશન પીઆઇને સોંપવામાં આવી છે.
હવે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડની માગણી કરવામાં આવશે. આખરે બંને યુવાનો પાસે રહેલો મેફેડ્રોન હાઇડ્રોક્લોરાઇડ નામનો પદાર્થ તેમણે ક્યાંથી મેળવ્યો હતો? કેટલા રૂપિયામાં કોની પાસેથી મેળવ્યો હતો? શું બંને યુવાનો નશાના કારોબારના ધંધામાં સંડોવાયેલા છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુવાનો પાસે ઝડપાયેલા ડ્રગનો જથ્થો ખૂબ ઓછો હતો પરંતુ રાજકોટમાં ડ્રગ્સ કેવી રીતે મળી રહ્યું છે તે જાણવું પોલીસ માટે મહત્ત્વનું બની રહેશે.