રાજકોટઃ હોળી અને ધૂળેટી પૂર્વ રાજકોટ પોલીસે સપાટો બોલાવ્યો હતો. વિવિધ જગ્યાએ રેડ પાડીને ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓને અટકાવી રહ્યા છે. ત્યારે શેહરના વિવિધ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચ અને એસોજી દ્વારા જુગાર અને ગેરકાયદેસર હથિયાર પકડી પાડ્યા હતા. આ અંગે જેતે પોલીસે ગુનો નોંધીને આગળી કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા દેશી બનાવટના તમંચા સાથે પ્રતિપાલસિંહ અજય સિંહ ચુડાસમા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી ઝાલા ના જણાવ્યા પ્રમાણે ASI ફિરોઝ શેખ, ભનુભાઇ મિયાત્રા, સલીમભાઈ મકરાણી સહિતનાઓને બાતમી મળી હતી કે, ભક્તિનગર સોસાયટી શેરી નંબર ત્રણમાં આવેલા મિલન બગીચા પાસે પ્રતિપાલસિંહ ચુડાસમા નામનો વ્યક્તિ દેશી બનાવટના તમંચા સાથે ઉભો છે. ત્યારે પોલીસને મળેલ બાતમીના આધારે યુવાનની તલાશી કરતાં દેશી બનાવટનો તમંચો હાથ લાગ્યો હતો.
આરોપી વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપી પોતાની પાસે રહેલા ગેરકાયદેસર હથિયાર ક્યાંથી લાવ્યો છે? અત્યાર સુધીમાં પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારનો કઈ જગ્યાએ ઉપયોગ કર્યો છે તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે
બીજી તરફ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના કોઠારીયા મેઇન રોડ શિવધામ સોસાયટી શેરી નંબર 3ના રહેણાંક મકાનમાંથી મોબાઈલ આઈડી પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલા ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર પ્રતાપ ભાઈ કાનાભાઈ લાવડીયા નામના 26 વર્ષીય યુવાનની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલ યુવાન વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે જ્યારે કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો ભૂતકાળમાં દાખલ થઈ ચૂક્યો છે.
ક્રાઇમ બ્રાંચના પી.આઇ વિરલ ગઢવીના જણાવ્યા પ્રમાણે, પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમના માણસોને બાતમી મળી હતી કે, હાથીખાના શેરી નંબર એક લલુડી હોકડી વિસ્તારમાં જાહેરમાં તેની પતીનો જુગાર કેટલાક શખ્સો રમી રહ્યા છે.
ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ને મળેલ બાતમીના આધારે રેડ કરતા ઘટના સ્થળે થી છ જેટલા શખશો ઝડપાઈ ગયા છે. જ્યારે કે બે આરોપીઓ નાસી છૂટયા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટનાસ્થળ પરથી રૂપિયા 26 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.