25 માર્ચના રોજ ફાગણ મહિનાના સુદ પક્ષની એકાદશી છે તેને રંગભરી અને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ આંબળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે. સાથે જ, માતા અન્નપૂર્ણા માટે પણ પૂજન કરવું જોઇએ. આમલકી એકાદશીએ કોઇ મંદિરમાં આંબળાનો છોડ પણ વાવી શકો છો. આંબળાની પૂજા કરો. દેવી દુર્ગાની પણ પૂજા આ દિવસે કરવી જોઇએ. દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ 108વાર કરો. બુધવારે સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરો. એકાદશીએ ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરો. તેના માટે શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ભગવાનનો અભિષેક કરો. પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઇએ. આ દિવસે વ્રત પણ કરવું જોઇએ. વ્રત કરનાર ભક્તે એક સમય ફળાહાર કરવું જોઇએ. વ્રત કરનાર વ્યક્તિએ બારસ તિથિએ કોઇ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઇએ. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ધન અને અનાજનું દાન કરવું. એકાદશી તિથિએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવવો અને પરિક્રમા કરો. ધ્યાન રાખો સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઇએ નહીં.
