ઉત્તરપ્રદેશના ટાંડા વિસ્તારમાં એક યુવતી ચાર યુવકો સાથે ભાગી ગઈ હતી. એ પછી પંચાયતે તેને પકડી પાડી હતી અને ચિઠ્ઠી નાખીને એ ચારમાંથી કોઈ એક યુવાન સાથે લગ્ન નક્કી કરી દીધા હતા.ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના ટાંડા વિસ્તારમાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. એક યુવતી તેના ચાર પુરુષ મિત્રો સાથે ભાગી ગઈ હતી. પરિવારજનોએ અને પંચાયતે એ યુવતીની શોધખોળ આદરી હતી. થોડા દિવસ પછી યુવતી ચારેય દોસ્તો સાથે ઝડપાઈ ગઈ હતી. પરંતુ એ યુવતી તેના 4 પુરુષ મિત્રો સાથે કયા કારણોસર પલાયન થઈ હતી તે કારણ જાણવા મળ્યુ નથી. આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો હતો. પંચાયતે અને યુવતીના પરિવારે ચારેય યુવકો સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૃ કરી હતી. એ પછી યુવકોના પરિવારે પંચાયત બોલાવવાની માગણી કરી હતી.
પંચાયતે બન્ને પક્ષને સાંભળ્યા પછી બે દિવસનો સમય માગ્યો હતો. બે દિવસ પછી ફરી પંચાયત ભરાઈ હતી. પંચાયતે યુવતી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે ચારમાંથી તેને જે ગમે તે એક યુવક સાથે તે લગ્નનો નિર્ણય જાહેર કરે. યુવતીને લગ્ન કરવાની ઈચ્છા ન હતી. યુવકો પણ લગ્ન માટે તૈયાર ન હતા. છતાં પંચાયતે શરત રાખી કે કોઈ એક સાથે યુવતીએ લગ્ન કરવા પડશે. યુવતી ભારે મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. ચારેય દોસ્તોમાંથી તે કોઈ એકને પસંદ કરી શકતી ન હતી. એ પછી પંચાયતે વિચિત્ર રસ્તો કાઢ્યો. યુવતી સાથે ભાગી ગયેલા ચારેય યુવકોના નામની ચિઠ્ઠી બનાવીને એક બાળકના હાથે ચિઠ્ઠી ઉપાડી. ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તેની સાથે યુવતીએ લગ્ન કરવા એવો વિચિત્ર નિર્ણય થયો. ચિઠ્ઠીમાં જેનું નામ નીકળ્યું તેની સાથે લગ્નનું નક્કી જ ન થયું, પરંતુ ઘડિયા લગ્ન લેવાઈ ગયા. ફેરા ફેરવીને પંચાયતે લગ્ન થઈ ગયા હોવાનું જાહેર કર્યું. ચિઠ્ઠી ઉછાળીને વરરાજાની પસંદગી થઈ તે મુદ્દે આખા વિસ્તારમાં ભારે ચર્ચા જામી છે.