અમદાવાદઃ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણી રમાઈ રહી છે. ચોથી મેચ પણ મોદી સ્ટેડિયમમાં જ રમાનારી છે. જોકે, શ્રેણીની પહેલી મેચ હાર્યા બાદ ભારતે બીજી મેચ ઉપર કબ્જો કર્યો હતો. જોકે, ત્રીજી મેચ ભારત ફરી હારી ગયું છે. ત્રીજી મેચમાં ભારતને 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતાં 6 વિકેટ ગુમાવીને 156 રનનો સ્કોર ઊભો કર્યો. તેના જવાબમાં મહેમાન ટીમે ટાર્ગેટને 10 બોલ બાકી હતા તે પહેલા માત્ર બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી દીધો. આ રીતે ઈંગ્લિશ ટીમે પાંચ મેચોની સીરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. ચાલો જાણી ટીમ ઈન્ડિયાના હારના 5 કારણો જાણો…
પહેલું કારણ- વારંવાર ટીમમાં ફેરફારઃ ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી મેચમાં ઓપનિંગ જોડીમાં ફેરફાર કર્યો. એટલે કે એક જોડી પર ભરોસો નથી મૂક્યો. આ કારણે શરૂઆતથી ટીમની લય બગડી જઈ રહી છે. આ ઉપરાંત ટોસ મહત્વ્રપૂર્ણ હોય છે, કારણ કે બીજી ઇનિંગમાં ઝાકળ પડે છે. આ કારણે ઈંગ્લિશ કેપ્ટન ઓયન મોર્ગને ફરી ટોસ જીતીને બોલિંગ લીધી. અત્યાર સુધી ત્રણ મેચમાં ટોસ જીતનારી ટીમે બોલિંગ પસંદ કરી છે. આ ઉપરાંત ત્રણ મેચોમાં ટાર્ગેટનો પીછો કરનારી ટીમ જીતી છે.
બીજું કારણ- પાવર પ્લેમાં 3 વિકેટઃ ટીમ ઈન્ડિયા ફરી એક વાર 6 ઓવરના પાવર પ્લેમાં રન ન બનાવી શકી. ટીમ પહેલી 6 ઓવરમાં માત્ર 24 રન કરી શકી અને 3 વિકેટ ગુમાવી. આવું જ પ્રદર્શન ટીમે પહેલી ટી20માં કર્યું હતું. બંને મેચના પરિણામ એક સમાન રહ્યા. ફાસ્ટ બોલર માર્ક વુડે શરૂઆતથી જ ટીમ ઈન્ડિયાને બાંધીને રાખી. તેણે ત્રણ વિકેટ પણ લીધી.
ત્રીજું કારણ- બોલરની ખોટ વર્તાઈઃ મેચમાં ટીમ માત્ર 5 બોલરોની સાથે ઉતરી હતી. એવામાં 10થી વધુની ઇકોનોમીથી રન આપ્યા બાદ પણ શાર્દુલ ઠાકુર અને યુજવેન્દ્ર ચહલ પાસે બોલિંગ કરાવવી પડી. બીજી તરફ ઈંગ્લિશ ટીમ હંમેશા 6 બોલરોની સાથે મેચમાં ઉતરી રહી છે.
ચોથું કારણ- ખરાબ ફિલ્ડિંગઃ મેચમાં આપણી ફિલ્ડિંગ ખૂબ ખરાબ રહી. કેપ્ટન કોહલી ઉપરાંત યુજવેન્દ્ર ચહલે એક કેચ છોડ્યો. આ ઉપરાંત આપણે અનેક વખતે રન રોકી ન શક્યા. આ કારણે ઈંગ્લિશ ટીમ પર દબાણ ઊચું ન થયું. તેનો ફાયદો જોસ બટલરે ખૂબ ઉઠાવ્યો.
પાંચમું કારણ- ટોપ ઓર્ડર નિષ્ફળઃ ત્રણ મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેન આપણી ટીમની તુલનામાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. મેચમાં જોસ બટલર 83 રન કરીને અણનમ રહ્યો. આ ઉપરાંત જેસન રોય પણ સારા ફોર્મમાં છે. બીજી તરફ આપણ ઓપનર સહિત ટોપ-3 બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી નથી શક્યા.