શાસ્ત્રો પ્રમાણે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી હોળિકા દહનના સમયગાળાને હોળાષ્ટક કહેવામાં આવે છે. આ વર્ષે હોળાષ્ટક 21 થી 28 માર્ચ સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હોળાષ્ટક દરમિયાન લગ્ન, મુંડન સંસ્કાર, ગૃહપ્રવેશ, ભવન નિર્માણ અને નવો વ્યવસાય વગેરે માંગલિક કાર્યો વર્જિત હોય છે. હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો ન કરવા પાછળ જ્યોતિષીય અને પૌરાણિક બંને જ કારણ માનવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે કામદેવજીએ ભગવાન શિવની તપસ્યા ભંગ કરી દીધી હતી. જેનાથી નિરાશ થઇને તેમણે પ્રેમના દેવતાને ફાગણ મહિનાની આઠમ તિથિના દિવસે ભસ્મ કરી દીધા હતાં. તે પછી કામદેવની પત્ની રતિએ શિવજીની આરાધના કરી અને કામદેવને ફરી જીવિત કરવાની પ્રાર્થના કરી, જેને ભગવાન શિવજીએ સ્વીકાર કરી લીધી. ભગવાન શિવના આ નિર્ણયને ભક્તોએ ધૂમધામથી ઊજવ્યો હતો. આ કારણે 8 દિવસ શુભ કાર્યો વર્જિત રહે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આઠમને ચંદ્ર, નોમના દિવસે સૂર્ય, દશમ તિથિએ શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરુ, તેરસે બુધ, ચૌદશે મંગળ અને પૂનમના દિવેસ રાહુ ઉગ્ર સ્વભાવમાં હોય છે. ગ્રહ-નક્ષત્રના નબળા હોવાના કારણે આ દરમિયાન જાતકની નિર્ણય લેવાની શક્તિ ઓછી થઇ જાય છે અને ખોટા નિર્ણયો લેવામાં આવે છે. જેના કારણે હાનિની શક્યતાઓ વધી જાય છે. આ વખતે હોળી માર્ચ 28, 2021એ બપોરે 03:27 વાગે શરૂ થશે અને પછી માર્ચ 29, 2021એ 00:17 વાગે પૂર્ણ થશે. 28 માર્ચે સાંજે હોળિકા દહન થશે. હોળિકા દહનનું મુહૂર્ત કુલ 2 કલાક 20 મિનિટનું છે. હોળિકા દહન રવિવાર, માર્ચ 28, 2021ના રોજ સાંજે 18:37 થી 20:56 ની વચ્ચે કરવું શુભ રહેશે.
