રાજ્યમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે અથવા તો તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક કોઇ ટ્રાફિક પોલીસકર્મી ખોટી રીતે ગાડીઓ રોકીને પૈસા ઉઘરાવતા હોય છે. સામાન્ય જનતાને ખોટી રીતે પરેશાન કરીને ક્યારેક તેઓ મેમો ફાડવાને બદલે બારોબાર રૂપિયા પડાવીને વહીવટ કરી લેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રાફિક પોલીસ જવાન રસીદ આપ્યા વિના પૈસા ઉઘરાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાનાં આમોદમાં કરજણ ચોકડી પાસે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે. ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ જવાન ગાડીઓને રોકી પૈસા ઉઘરાવતો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ ટ્રાફિક કોન્સ્ટેબલ પૈસાની લઇને પાવતી કે રસીદ નથી આપી રહ્યો એનો સીધો મતલબ એ છે કે, તે આ પૈસા પોતાના ખીસ્સામાં ભરે છે. જો કે આ મામલે હવે વધુ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું.
