મુંબઈઃ અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરનની ગતિ ફૂલ સ્પીડમાં છે જોકે કોરોના સામે લડવા માટે પણ યુદ્ધના ધોરણે કોરોના રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. જોકે, મહારાષ્ટ્રના નાલા સોપારામાંથી એક ચોકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીં નાલાસોપારામાં કોરોના રસી કરણ માટે નોંધણી માટે ગયેલા એક 63 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જેના પગલે તંત્ર દોડતું થયું હતું.
મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના નાલાસોપારા (પશ્ચિમ)માં પાટકર પાર્કના રહેવાસી 63 વર્ષીય હરીશ પંચાલ રસીકરણ માટે રજિસ્ટ્રેશન સેન્ટર ગયા હતા. શુક્રવારે સવારે દસ વાગ્યે નોંધણી માટે કેન્દ્રની બહાર લાઈનમાં ઉભા હતા. તે સમયે તેને બેચેની અનુભવી અને જમીન પર પડ્યા હતા. ત્યારબાદ તેને સિવિલ હેલ્થ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરાયા હતા.
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ હેલ્થ ઓફિસર ડો.સુરેખા વાલકેએ જણાવ્યું હતું કે, તેઓ ડાયાબિટીઝથી પીડિત હતા. મૃત્યુનું કારણ જાણવા લાશને પરીક્ષણ માટે મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દરમિયાન દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી આશંકા છે. મહારાષ્ટ્રે નાગપુરમાં એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. હવે અકોલામાં અને પરભણીમાં સોમવાર સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉપરાંત પૂણેમાં રાતે 11થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ પણ લાદવામાં આવ્યો છે. થાણેમાં પણ 16 હોટસ્પોટ વિસ્તારોમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરી દેવાયું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે કોરોનાના કેસ આવી જ રીતે વધતા રહેશે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરાશે.