અમદાવાદ : ગીરમાં એસિયાટીક સિંહો જોવા માટે પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે છે. લાયન સફારીમાં લોકો સિંહને પ્રાકૃતિક રીતે જોઈ શકે છે. પરંતુ સ્થાનિક લોકો ગેરકાયદેસર રીતે લાયન શો કરીને સિંહોની પજવણી કરતા હોવાના અનેક વીડિયો પ્રકાશમાં આવ્યા છે. જોકે, આવા જ એક કેસમાં લાયન શો કરનાર અને તેને મદદ કરનાર કુલ 6 લોકોને કડક સજા કરવામાં આવી છે. કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા આરોપીઓને 10,000 રૂપિયા દંડ તેમજ 3 વર્ષની કેદ કરી છે. આ આરોપી પૈકીના એક આરોપીનો નિર્દોષ છૂટકારો થયો છે જ્યારે એક આરોપીને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે આકરું વલણ દાખવતા લાયન શો કરાવનાર વ્યક્તિની જમીનની તમામ પરવાનગીઓ રદ કરવાનો હુકમ પણ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે વર્ષ 2018ના મે મહિનાની 19મી તારીખે રાત્રે 1 વાગ્યે અને 10.00 કલાકે આ કામના આરોપી ઇલ્યાસ અબદ્રેમાનની દીરના સેટલમેન્ટ વિસ્તાર ધ્રુંબકમાં આવેલી જમીનમાં 5 પ્રવાસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવામાં આવ્યું હતું. આ વ્યક્તિએ પોતાના હાથમાં મરઘી રાખી અને સિંહણને લલચાવી અને અવારનવાર તેને મરઘીનું પ્રલોભન આપ્યું હતું.
આ જઘન્ય ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો અને અંતે વન્ય પ્રાણી સર્વેક્ષણ અધિનીયમનની કલમ 1972ની કલ-2 (16) (બી) 2 (36), 9, 29,39, 51,52 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં ગીરગઢડાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સુનિલ દવે દ્વારા આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
કોર્ટે આ કેસમાં આરોપી ઇલ્યાસ અદ્રેમાન હોથ જેની જમીનમાં આ લાયન શો થયો અને જેણે મરઘી આપી સિંહણને લલચાવી હતી તેને અને અમદાવાદના પ્રવાસી રવિ પાટ઼઼ડીયા,દિવ્યાંગ ગજ્જર, રથીન પટેલ, હરમડિયાના અબ્બાસ રીંગબ્લોચ,. તાલાળાના મંડોરણાના અલ્તાફ હૈદર બ્લોચને 3 વર્ષની સખત કેદની સજા અને આરોપી દીઠ 10,000 રૂપિયાનો દંડ ભરાવો હુકમ કર્યો છે. આ આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદનો હુકમ કર્યો છે.
આ કેસમાં આરોપી માંગીલાલ મીણા રહે રાજસ્થાન હાલ ભોજદે ગેરીને એક વર્ષની સખત કેદની સજા અને 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે આ કેસમાં આરોપી હાસમ સીકંદર કોરેજાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કોર્ટે આરોપીઓના વાહનો જપ્ત કરવાનો હુકમ કર્યો છે તેમજ આરોપી ઈલ્યાસ અદ્રેમાન હોથના વડાવાઓને ફાળવવામાં આવેલી બાબરીયા રેન્જ ફોરેસ્ટની ધુંબક વિસ્તારની સેટલમેન્ટવાળી જમીનની તમા પરવાનગી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ જમીન સરકારે હસ્તક લઈને તેને ખાલસા કરી અને સરકારે સોંપવામાં આવશે.