વડોદરાઃ 3 માર્ચે વડોદરામાં ચકચારી ઘટના બની હતી. ન્યૂ સમા રોડ ઉપર આવેલી સ્વાતી સોસાયટીમાં સોની પરિવારના છ સભ્યોએ કોલ્ડડ્રિંક્સ સાથે જંતુનાશક દવા પી લીધી હતી. ત્યારે ઘટના સ્થળે જ ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા. જોકે, ત્રણ સભ્યો સારવાર હેઠળ હતા. જેમાં શનિવારે માતાનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આજે રવિવારે પુત્ર ભાવિન સોનીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ સોની પરિવારમાં છ સભ્યો પૈકી પાંચના મોત નીપજ્યા છે. સોની પરિવારમાં માત્ર પુત્રવધૂ જીવીત છે જેની હાલત અત્યારે ખુબ જ ગંભીર માનવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે સોની પરિવારે સામૂહિક આપઘાત કેસમાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃતક નરેન્દ્રભાઇ સોનીના પુત્ર ભાવિન સોનીનું આજે સવારે મૃત્યુ થયું છે. ભાવિન ગઇકાલથી વેન્ટિલેટર પર હતો. જ્યારે ભાવિનની પત્ની ઉર્વીની હાલત ગંભીર છે.
સામૂહિક આપઘાતમાં ભાવિને પિતા નરેન્દ્રભાઇ, માતા દિપ્તીબેન, બહેન રીયા અને પુત્ર પાર્થને ગુમાવ્યા હતા. આજે ભાવિનનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો છે. શનિવારે ભાવિનની માતા દિપ્તીબેનનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.
શું હતી ઘટના?
ભાવિન સોનીના નિવેનના આધારે 3 માર્ચના રોજ સવારે 11-30 કલાકે નરેન્દ્રભાઇ સોની ખંડેરાવ માર્કેટ ગયા હતા અને ત્યાંથી ગુજરાત સ્ટોર્સમાંથી જંતુનાશક દવા ખરીદીને લાવ્યા હતા. જ્યારે ભાવિન સોની પોતાના ઘર નજીક આવેલ સૌરાષ્ટ્ર પાન મસાલામાંથી પેપ્સી અને મિરીન્ડા લઇ આવ્યો હતો.
બપોરે 2 કલાકે નરેન્દ્રભાઇ સોનીએ દીકરી રીયા પાસે સુસાઇડ નોટ લખાવી હતી. તે બાદ પિતાએ પરિવારને જંતુનાશક દવા ભેળવેલ પેપ્સી અને મિરીન્ડા બધાને પીવડાવી દીધી હતી. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. જ્યારે ત્રણ સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપ્યા હતા.