અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવીને પોતાની આપવીતી વર્ણવી મોતને વ્હાલું કરનાર આયેશા મકરાણી આત્મહત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરિફને રાજસ્થાનમાંથી દબોચીને અમદાવાદ લાવી છે. આજે બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. .
પીઆઈ વી. એમ. દેસાઈ અને ઝોન-1 ડીસીપી ડો. રવીન્દ્ર પટેલની પૂછપરછમાં આરિફે આયેશાના મોતનો જરા પણ અફસોસ વ્યક્ત કર્યો ન હતો. આરિફના આવા વર્તનથી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. આયેશાના ગર્ભપાત બાદથી જ બંને વચ્ચે ગજગ્રાહ હોવાનું તેણે કબૂલ્યું હતું. બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આયેશાએ પતિ આરિફ બાબુખાન ગફુરજી, તેનાં માતા-પિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આયેશા તેના પિતાના ઘરે જ રહેતી હતી. આયેશાએ આત્મહત્યા કર્યા બાદ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની એક ટીમ આરિફને પકડવા તેના વતન રાજસ્થાનના ઝાલોર પહોંચી હતી. જોકે આયેશાએ આત્મહત્યા કરી ત્યારથી આરિફ ઘર છોડીને ભાગી ગયો હતો. મંગળવારે પાલીમાં તેની બહેનના ઘરેથી ઝડપાયો હતો.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં માતાપિતા સાથે રહેતી આયેશા નામની યુવતીએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલા આયેશાએ હસતા મોઢે એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો તેણીએ તેના પતિને મોકલ્યો હતો. આપઘાત કરવા પહોંચેલી આયેશાને તેના પતિએ કહ્યું હતું કે, ‘આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દે જે.’
પતિની આવી માંગણી બાદ આયેશાએ આપઘાત પહેલા વીડિયો બનાવીને મોકલી દીધો હતો. જે બાદમાં તેણીએ નદીમાં કૂદીને આપઘા કરી લીધો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના માતાપિતા અને પતિ આરીફ સાથે લાંબી વાતચીત કરી હતી. આયેશાના આપઘાત બાદ તેનો પતિ ફરાર થઈ ગયો હતો.