નવી દિલ્હીઃ હિન્દુધર્મના પવિત્ર ધાર્મિક ગ્રંથ ગણાતા ગીતા અને રામાયણ ઉપરાંત યોગા હવે મદરેસાઓમાં ભણાવવામાં આવશે. આ માટે એનઆઈઓએસે અભ્યાસક્રમોમાં સમાવેસ કર્યો છે. શિક્ષણ મંત્રાલય હેઠળ આવવાવાળી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કૂલિંગ (NIOS) પ્રાચીન ભારતીય જ્ઞાન અને પરંપરાને ધ્યાનમાં રાખીને 100 મદરેસાઓમાં નવા અભ્યાસક્રમ શરૂ કરવા જઈ રહી છે. આ અભ્યાસક્રમો નવી શિક્ષણ નીતિનો એક ભાગ હશે.
NIOS વર્ગ 3, 5 અને 8 માટેના મૂળભૂત અભ્યાસક્રમો શરૂ કરશે. પ્રાચીન ભારતના જ્ઞાનના સંબંધમાં NIOS દ્વારા લગભગ 15 અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં વેદ, યોગ, વિજ્ઞાન, સંસ્કૃત ભાષા, રામાયણ, ગીતા અને અન્ય વસ્તુઓ શામેલ છે. આ બધા અભ્યાસક્રમો 3, 5 અને 8 ના વર્ગના પ્રારંભિક શિક્ષણ સમાન છે.
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર NIOSના અધ્યક્ષ સરોજ શર્માએ કહ્યું છે કે, અમે આ કાર્યક્રમ 100 મદરેસામાં શરૂ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં તેને 500 મદરેસાઓ સુધી લઈ જવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન રમેશ પોખરિયાલે મંગળવારે નોઈડામાં NIOSના કેન્દ્રીય મુખ્યાલયમાં અભ્યાસ સામગ્રીનું વિમોચન કર્યું હતું.
તેમણે આ દરમિયાન કહ્યું કે, ભારત પ્રાચીન ભાષાઓ, વિજ્ઞાન, કલા, સંસ્કૃતિ અને પરંપરાની ખાણ છે. હવે દેશ તેની પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરીને જ્ઞાનના ક્ષેત્રમાં મહાસત્તા બનવા માટે તૈયાર છે. અમે આ અભ્યાસક્રમોના ફાયદા મદરેસાઓ અને વિશ્વમાં હાજર ભારતીય સમાજને પહોચાડીશુંં.
NIOS બે રાષ્ટ્રીય બોર્ડમાંથી એક છે જે પ્રાઈમરી, સેકન્ડરી અને સીનીયાર સેકન્ડરી માટે ઓપન અને ડિસ્ટન્સ કોર્સ અભ્યાસક્રમોનું સંચાલન કરે છે. તેની યોગા અભ્યાસક્રમની સામગ્રીમાં પતંજલિ કૃતાસૂત્ર, યોગસૂત્ર વ્યાયામ, સૂર્ય નમસ્કાર, આસન, પ્રાણાયામ, તણાવથી રાહત આપવાની કસરતો તેમજ મેમરીમાં વધારો કરવાની કસરતો શામેલ છે.
તેના વિજ્ઞાન અભ્યાસક્રમમાં પાણી, હવા, ખેતી અને વેદ, ઉત્તાપતીનું સૂત્ર, પૃથ્વી અને પ્રાકૃતિક સંસાધનોના સ્ત્રોત છે. NIOSના સહાયક નિયામક શોએબ રઝા ખાન કહે છે કે આ કોર્સ દરેક માટે ઉપલબ્ધ રહેશે. ઓપન અને ડિસ્ટન્સ એજ્યુકેશન સિસ્ટમ હેઠળ વિદ્યાર્થીઓ તેને પસંદ કરી શકશે. આ કોર્ષ ફરજિયાત નથી.