નવી દિલ્હી : કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકારે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું છે. હવે આવતી કાલે એટલે કે પહેલી માર્ચ સોમવારથી રસીકરણના બીજા તબક્કો થવા જઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે વેક્સીનેશન સેન્ટરની યાદી જાહેર કરી છે. સાથે સાથે વેક્સીનની કિંમત પણ નક્કી કરી છે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ લગભગ 10 હજાર પ્રાઇવેટ હોસ્પિટલો અને 600 સીજીએચએસ હોસ્પિટલોને સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્ય ઇચ્છે તો પોતાની ત્યાની હેલ્થ સ્કિમ પ્રમાણે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોને પણ જોડી શકે છે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ હોસ્પિટલોની યાદી અહીં ક્લિક કરીને જોઈ શકો છો.
કોરોના વોરિયર્સની કોરોના વેક્સીન આપ્યા પછી હવે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તથા ગંભીર બીમારીથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસ વિરોધી વેક્સીન સરકારી કેન્દ્રો પર કોઈ ચાર્જ લીધા વગરઆપવામાં આવશે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં તેના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે જણાવ્યું હતું કે આ શ્રેણીમાં લોકોને 10 હજાર સરકારી કેન્દ્રો પર મફત વેક્સીન લગાવવામાં આવશે. મંત્રીએ કહ્યું કે 20 હજાર પ્રાઇવેટ ક્લિનિકો કે કેન્દ્રો પર વેક્સીન લગાવવા માટે ચાર્જ આપવો પડશે.
કોરોના વેક્સિનની કિંમત કેટલી હશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. કોરોનાની વેક્સિન સરકારી હોસ્પિટલમાં મફતમાં મળશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક ડોઝની કિંમત 250 રૂપિયા રહેશે. 150 રૂપિયા કોરોના વેક્સિનના અને 100 રૂપિયા એડ્મિનિસ્ટ્રેશન ચાર્જ રાખવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટર પર આ માહિતીની જાણકારી આપી હતી.