રાજકોટઃ શહેરમાં એક ચકચારી ઘટના બની હતી. શહેરના જાણિતા બિલ્ડર પરિવારને 72 કરોડની ખંડણી માંગતો ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. અને પૈસાની વ્યવસ્થા ન થયા તો તેમની ત્રણ દીકરીઓને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જોકે, આ કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ બિલ્ડર કિશોરભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ત્રણ ભાઈ છે, જેમાં સૌથી મોટા ગોવિંદભાઈ તેમની સાથે રહે છે. કિશોરભાઈની પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું વર્ષ 2002માં અવસાન થઈ ગયું હતું. તેમનાં પત્ની અને કિશોરભાઈના ભાભી સંગીતાબેન પણ તેમની સાથે રહે છે. ભરતભાઇને સંતાનમાં બે પુત્રી ડેનિશા અને દ્રષ્ટિ છે.
કિશોરભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત 22 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ તેમના ભાભી સંગીતાબેને મોબાઈલ બતાવી કહ્યું, એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો છે, જેમાં 72 કરોડ આપવાની ધમકી અપાઇ હોવાનું લખ્યું હતું. પૈસા નહીં આપો તો ત્રણેય દીકરીને જીવવા નહીં દઉં તેવું જણાવ્યું હતું.
જેથી ડરી ગયેલા સંગીતાબેને અમદાવાદમાં અભ્યાસ કરતી ડેનિશાને રાજકોટ બોલાવી લીધી હતી. સંગીતાબેનની બીજી દીકરી દ્રષ્ટિ લંડનમાં અભ્યાસ કરે છે, તે સુરક્ષિત હોવાનું જણાતા તેને આ અંગે જાણ કરવામાં નહોતી આવી. તેમજ ગોવિંદભાઈની દીકરી માનસી સાસરે હોવાથી તેને પણ સાવચેત રહેવા જણાવાયું હતું.
મીડિયા રિપોર્ટ મુજબ મેસેજ કોણે કર્યો તે અંગે કોઈ માહિતી ન મળતા ડરી ગયેલા પરિવારે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એ અંગે તપાસ કરીને ગુનો દાખલ કર્યો હતો, અને બાદમાં ગણતરીના કલાકોમાં યુનિવર્સિટી રોડ પર રહેતા પારસ મહેન્દ્રભાઈ મોણપરાની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન પારસે જણાવ્યું કે, ડેનિશા સાથે અમદાવાદમાં એક જ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ડેનિશાના પરિવાર વિશે બધુ જાણતો હતો અને મોજશોખ પૂરા કરવા માટે બીજા નંબરથી ખંડણીનો મેસેજ કર્યો હતો.