નવી દિલ્હીઃ એક તબક્કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડા થયા બાદ હવે કોરોના વાયરસે ફરી ગતિ પકડી છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધારે ફેલાવો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 9 હજારને પાર થઈ ગઈ છે. તેના કારણે પડોશી રાજ્યો સહિત દિલ્હીમાં ચિંતા વધી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,738 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 138 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,46,914 થઈ ગઈ છે.
કોરોનાના રોજેરોજ નોંધાતા કેસોમાં ભારત ચોથા નંબર પર પહોંચી ગયું છે. એક્ટિવ કેસ મામલામાં દુનિયામાં ભારત હવે 15મા સ્થાન પર આવી ગયું છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી દુનિયામાં અમેરિકા બાદ સૌથી વધુ ભારતમાં નોંધાઈ છે. મોતના મામલામાં અમેરિકા, બ્રાઝીલ અને મેક્સીકો બાદ ભારતનો નંબર આવે છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,26,71,163 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 1 કરોડ 7 લાખ 38 હજાર 501 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 11,799 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,51,708 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,56,705 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 24 ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કુલ 21,38,29,658 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના 24 કલાકમાં 7,93,383 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા હતા જ્યારે 296 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એકના મોત સાથે કુલ મૃત્યુઆંક 4407 પર પહોંચ્યો. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.66 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 261871 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે.