અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના બની હતી. અહીં લૂંટારુઓએ અડધી રાત્રે 70 વર્ષીય વૃદ્ધની આંખોમાં મરચાની ભૂકી નાંખી અને બંધક બનાવી ઘરમાં રહેલી ઇલેક્ટ્રીક વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ એનઆરઆઈ છે અને પોતાની પત્ની અત્યારે અમેરિકા ખાતે રહે છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નરેન રતિલાલ શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે 25મી ફેબ્રુઆરીએ રાત્રે તેઓ ઘરે હાજર હતાં. રાત્રિના પોણા બે વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદમાં તેઓ ઘરનો દરવાજો બંધ કરીને ઊંઘી ગયા હતા.
રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બેલ વાગ્યો અને કોઇએ બૂમ પાડી કે જેક અંકલ દરવાજો ખોલો. જેથી ફરિયાદીએ કંઈ વિચાર્યા વગર સીધો દરવાજો ખોલી દેતા ત્રણ લૂંટારૂ તેમની આંખમાં મરચાની ભૂકી નાંખીને ઘરમાં ઘૂસી ગયા હતા. ત્રણેયએ વૃદ્ધને પકડીને મોઢા પર ફેંટો મારી હતી. જે બાદમાં વૃદ્ધને નીચે પાડી દઈને લાતો મારી હતી. ફરિયાદીએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતા તેમના મોઢા પર સેલોટેપ મારી દીધી હતી. આ ઉપરાંત તેઓના હાથ રસોડાના ટેબલ સાથે સેલોટેપથી બાંધી દીધા હતા.
બાદમાં લૂંટારુ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી ઘરમાંથી ટીવી, મોબાઈલ અને ફરિયાદીની ચાંદીની વીંટીઓની લૂંટ ચલાવીને ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદીએ જેમ તેમ કરીને હાથ તથા મોઢા પર બાંધેલી સેલો ટેપ ખોલીને તેમના દરવાજા સુધી પહોંચ્યા હતા.
તેમણે જોયું કે લૂંટારુઓએ તેમના ઘરની સામે આવેલા ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હતો. ફરિયાદીએ બહારથી હેન્ડલ ખોલીને દરવાજો ખખડાવતા સામેના મકાનમાં રહેતા જૈમીન શાહ બહાર આવ્યા હતા. ફરિયાદીએ આ બનાવ અંગે તેમના વાત કરી હતી. જે બાદમાં આસપાસના લોકોને જગાડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.