સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે રાજકોટ મનપાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે દરમિયાન અહીંના લક્ષ્મીનગર મેઇન રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં ભાજપના કાર્યકરોએ તોડફોડ કરી આપના બે ઉમેદવાર ને માર મારવાની ઘટના એ ભારે ચકચાર જગાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી હતી.
ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ કાર્યકરો સાથે પહોંચ્યા હતા ત્યારે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચક્યો હતો, આ અંગે DCP ઝોન-2 સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં.8માં લક્ષ્મીનગર મેઇન રોડ પર આમ આદમી પાર્ટીના કાર્યાલય પર ભાજપ ના કાર્યકરો દ્વારા તોડફોડ કરી ખુરશી તોડી નાખી ઉમેદવાર દર્શન કણસાગરા અને મુકેશ લાગણેચાને ઢીકાપાટુનો માર માર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં બંને પક્ષના કાર્યકરો એકત્ર થઇ ગયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. જો કે, બાદમાં પોલીસ દોડી આવતા મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
