કેશોદ માં એક મુસ્લિમ પરિવારે મૂળ હિન્દુ ધર્મમાં વાપસી કરવા તૈયારીઓ શરૂ કરી છે.
આ પરિવારે જણાવ્યું કે તેઓના પૂર્વજો કહેતા કે સંજોગો મુજબ જેતે વખતે કડવા પટેલ માંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડ્યો હતો પણ હવે તેમણે પોતાની મૂળ જ્ઞાતિ કડવા પટેલ સમાજને પોતાના પરિવારને સ્વીકારવા અરજી કરી હતી. જેને જ્ઞાતિ પ્રમુખે સ્વીકૃતિ આપતા હવે સરકારી મંજૂરી લેવા પ્રોસિઝર હાથ ધરી છે.
કેશોદના જીન્નતભાઇ (જીન્નત અલીભાઇ) કાનજીભાઇ વડસરિયાનો પરિવાર મુસ્લિમ મતાવલંબી તરીકે રહેતો હતો. તેમણે પત્ની મંજુલાબેન (દોલતબેન), પુત્રી અમિતા, મીના અને રસીલા અને પુત્ર હસમુખ સહિત તમામ સભ્યોએ ફરી હિન્દુ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લીધો હતો. તેમના પૂર્વજો મૂળ કડવા પટેલ હતા. આથી તેઓએ પોતાની જ મૂળ જ્ઞાતિમાં કેશોદના જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજને અરજી કરી પોતાના પરિવારનો જ્ઞાતિમાં પુન:સ્વીકાર કરવા વિનંતી કરી હતી. જેને સમાજે સ્વીકારી હતી.
હસમુખભાઇ વડસરિયાએ જણાવ્યું હતું કે, મારા પિતા નિવૃત્ત શિક્ષક છે. અમને પહેલેથી જ હિન્દુ ધર્મમાં આસ્થા છે. અમે મોરારિબાપુની કેસેટો સાંભળતા અને અમે રામાયણ વાંચતા હતા અને અમારી મૂળ જ્ઞાતિ અમને ભેળવવા તૈયાર થઇ છે તે જાણી આનંદ છે.
કડવા પટેલ સમાજે સ્વીકાર કર્યો છે
કેશોદના કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલ ખાનપરાએ જણાવ્યું હતું કે, અમે તેમને સરકારી પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું છે. અને સાથે તેમનો ફરી કડવા પટેલ સમાજમાં સ્વીકાર કરવા સંમતિ આપતા તેઓ હવે મુસ્લિમ માંથી પોતાના મૂળ ધર્મ માં પરત ફરશે.
