ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતી દ્રારા ગઇકાલે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ અને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને IPS અધિકારી સંજીવ ભટ્ટે વિવાદીત ટ્વીટ કરતા મામલો ગરમાયો હતો. પોતાની ટ્વિટમાં તેમણે ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ન હોવા પર સવાલ ઉઠાવ્યો હતો જેનો ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે જડબાતોડ જવાબ આપ્યો.
સંજીવ ભટ્ટ આઈપીએસ ઓફિસરે ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે “શું હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ખેલાડી છે? આઝાદીથી અત્યાર સુધીમાં એવું કેટલીવાર બન્યું કે ભારતની ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ખેલાડી ન હોય? શું મુસલમાનોએ ક્રિકેટ રમવાનું બંધ કરી દીધુ? કે ખેલાડીઓની પસંદગી કરનારા કોઈ અલગ ખેલના નિયમ માની રહ્યાં છે?”
જેનો જવાબ ભારતના સ્ટાર સ્પિનર હરભજન સિંહે ટ્વિટ કરીને આપ્યો હતો. હરભજને કહ્યું કે “હિન્દુ-મુસ્લિમ-સિખ-ઈસાઈ પરસ્પર ભાઈ છે. ક્રિકેટ ટીમમાં રમનાર દરેક ખેલાડી હિન્દુસ્તાની છે. તેની જાતિ કે રંગની વાત થવી જોઈએ નહીં.” એટલું જ નહીં અનેક લોકોએ પણ સંજીવ ભટ્ટના ફેસબુક અને ટ્વિટર પોસ્ટ પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.