મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પહેલી વન-ડે મેચમાં ભારતે 50 ઓવરમાં 8 વિકેટેના ભોગે 280 રન કર્યા. જેમાં વિરાટ કોહલીએ કેપ્ટન ઇનીંગ રમી હતી અને ભારતને મુશ્કેલીની સમયમાં જવાબદારી પુર્વક ઇનીંગ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોચાડ્યું હતું. વિરાટ કોહલીએ પોતાની 200મી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતા પોતાની 31મી સદી ફટકારી હતી. કોહલીએ 121 રનની તુફાની ઇનીંગ રમી હતી. જોકે ભારતીય પુરી ટીમ ન્યુઝીલેન્ડના બોલરો સામે ઝઝુમતી જોવા મળી હતી. શરૂઆતથી જ ટ્રેંટ બોલ્ટ, ટીમ સાઉદીએ ભારતીય ટીમના બેટ્સમેનોને પકડમાં રાખ્યા હતા. તો તેની સાતે મિશેલ સેંતનરે પણ ભારતીય બેટ્સમેનોને પકડમાં રાખવામાં સફળ રહ્યા હતા.
આ પહેલા ટોસ જીતી બેટીંગ કરતા ભારતે સસ્તામાં પહેલી ત્રણ વિકેટ પડી ગઇ હતી. જેમાં શિખર ધવન 12 બોલમાં 1 ચોગ્ગાની સાથે 9 રન, રોહીત શર્મા 18 બોલમાં 2 છગ્ગાની મદદથી 20 રન અને ત્યાર બાદ કેદાર જાધવ 25 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 12 રન કરી શક્યા હતા. તો ન્યુઝીલેન્ડ તરફથી ટ્રેંટ બોલ્ટે 4 વિકેટ, મિશેલ સેંટનર 1 વિકેટ અને ટીમ સાઉદીએ 3 વિકેટ ઝડપી હતી. જોકે ધોની પાસેથી મોટી ઇનીંગની અપેક્ષા હતી. પરંતુ ધોની મોટી ઇનીંગ રમવામાં ફરી નિષ્ફળ થયો હતો અને તે 42 બોલમાં 2 ચોગ્ગાની મદદથી માત્ર 25 રન જ કરી શક્યો હતો અને ટ્રેંટ બોલ્ટની ઓવરમાં ગપટીલને કેચ આપી બેઠો હતો. જ્યારે દિનેશ કાર્તીક પાસેથી પણ મોટી ઇનીંગની આશા હતી પરંતુ તે પણ 47 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 37 રન કરી શક્યો હતો. તો હાર્દીક પંડ્યા પણ આજે નિષ્ફળ રહ્યો હતો અને તે 16 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 16 રન જ કરી શક્યો હતો. પરંતુ અંતિમ ક્ષણોમાં ભુવનેશ્વર કુમારે શાનદાર શોટ્સ લગાવતા ટીમનો સ્કોર 280 સુધી પહોચ્યો હતો. ભુવનેશ્વર કુમારે 15 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 26 રન કર્યા હતા.