પર્યાવરણ અને શહેરનાં વૃક્ષો બચાવવા માટે એક બાજુ વૃક્ષો દત્તક લેવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી બાજુ થાણે અને પાલઘર વચ્ચે આવેલાં ૯૫ હેક્ટરમાં ફેલાયેલાં જંગલો હટાવવાની અરજી કરવામાં આવી છે. ૫૪ ફુટબૉલનાં મેદાનો જેટલા વિસ્તારમાં ફેલાયેલાં આ જંગલોનો ભોગ પ્રસ્તાવિત વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે માટે લેવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ હાઇવેને સમાંતર બનાવવામાં આવનારા વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે માટે આ જંગલો હટાવવા જરૂરી હોવાથી એને હટાવવાની મંજૂરી માગતી અરજી NHAIએ પર્યાવરણ-વનખાતાને મોકલી છે.
આ જંગલ વિસ્તાર વસઈ અને તલાસરી વચ્ચે આવેલો છે અને જે જગ્યાએ એક્સપ્રેસવેનો આ પટ્ટો તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે ત્યાં કુલ ૫૦ જેટલાં ગામો આવેલાં છે. એક્સપ્રેસવે બનાવવા માટે એમાંનાં બાવીસથી ૨૫ ગામો નજીક આવેલા જંગલનું નિકંદન કાઢવું પડે એમ છે.
અત્યારે મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં વૃક્ષો-જંગલો ઝડપી ગતિએ નાશ પામી રહ્યાં છે અને એમાં આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણને મોટું નુકસાન થશે. એ ઉપરાંત આ પ્રોજેક્ટને લીધે અમુક વિસ્તારોમાં આવેલાં મૅન્ગ્રોવ્ઝનો પણ નાશ થશે