ડેનમાર્ક ઓપનમાં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય શટલર પી. વી. સિંધુની ચીનની ચેન યુફેઈના હાથે હાર થઈ છે. ભારતની સ્ટાર શટલરને વૈશ્વિક રેન્કિંગમાં દશમા ક્રમાંકની ચીની ખેલાડીને મેચમાં આકરી ટક્કર આપી હતી. પરંતુ સિંધુની સીધા સેટોમાં 17 વિરુદ્ધ 21, 21 વિરુદ્ધ 23માં હાર થઈ છે. આ મુકાબલો 43 મિનિટ ચાલ્યો હતો. કોરિયા ઓપનમાં જીતનારી સિંધુની આ બીજી ચોંકાવનારી હાર છે. આ પહેલા તેની જાપાન ઓપનના બીજા તબક્કામાં હાર થઈ હતી.
બીજી તરફ સાઈના નેહવાલ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પહોંચી છે. બુધવારે યોજાયેલા મુકાબલાના પહેલા રાઉન્ડમાં સાઈના નેહવાલે ઓલિમ્પિક ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિનને સીધા સેટમાં 22 વિરુદ્ધ 20, 21 વિરુદ્ધ 18થી હરાવી હતી. આ પહેલા એચ. એસ. પ્રણયે પુરુષ સિંગલમાં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી હતી. પરંતુ ડબલ્સમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીને પહેલા તબક્કામાં બેવડી હારનો સામનો કરવો પડયો હતો.