રાજકોટ ના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિના થી જોવા મળતા સિંહો રાજકોટ શહેર હદ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા અને ગત મોડી રાતે આજી ડેમ પાસે ગાયનું મારણ કરતા લોકો ધ્રૂજી ગયા છે.છેલ્લા એક મહિના થી સિંહો ગોંડલ તાલુકા વિસ્તાર, ભાયાસર, લોધીકા, શાપર-વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. હવે રાજકોટ શહેર હદ વિસ્તારમાં સિંહો જોવા મળતા દહેશત ઉભી થઇ છે.
ગત રાત્રીના રાજકોટ શહેરની હદ સુધી આવી સિંહોએ આજી ડેમ પાસે કાળુભાઈ બીજલભાઈ મુંધવાની માલિકી ની ગાયનું મારણ કર્યું હતું. મારણ કરી સિંહો વીડી વિસ્તારમાં પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસાર થતાં એક રાહદારીએ તેના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મહત્વનું છે કે સૌપ્રથમ સિંહો હલેન્ડા ગામમાં જોવા મળ્યાં હતા ત્યારબાદ
કોટડાસાંગણી, અરડોઈ, ભાયાસર, લોધીકા, ભાટગામ, સુખપુર, ભાટગામ, આરબ ટીંબળી, સરધાર રેન્જ, પડવાલ, રાજપરા, લોઠડા, હલેન્ડા, પાડાસણ અને કથરોટા સહિતના ગામોમાં પડાવ નાખ્યો હતો.આ સિંહોને ગીર માં લઇ જવા રજુઆત થઇ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રણજીત મુંધવાએ CM રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે હાલ તો સિંહ હાથમાં ગાય-વાછરડાઓ ને શિકાર કરી રહ્યા છે પરંતુ હવે માનવ ઉપર પણ હુમલો કરે તેવી શકયતા છે અમે વનમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી છે. તેમ જણાવી ઘટતું કરવા માંગ કરી હતી.
