અમદાવાદઃ આજે ધનતેરસના પર્વ પર સોનાની ખરીદીમાં સારા વેચાણની વેપારીઓ આશા સેવી રહ્યા છે. થોડા દિવસ પહેલા પુષ્ય નક્ષત્રમાં સોનામાં સારી ખરીદી જોવા મળી હતી.ધનતેરસ પર સોનુ કે ચાંદી ખરીદવાને લોકો શુભ માને છે.
ગયા વર્ષે આખા રાજયમાં ૨૫૦ કિલો સોનાનું વેચાણ થયુ હતું. ત્યારે સોનાની કિંમત સોમવારે GST સહિત ૧૦ ગ્રામના રૂ. ૩૦,૯૦૦ જેટલી હતી. વિશ્લેષકોના મતે આ કિંમત સરખી જ રહેશે. મંગળવારે સોનાની કિંમતમાં કંઈ ખાસ વધારો જોવા મળ્યો નહતો. આ સમય આસપાસ લગ્નના ઘણા મુહૂર્ત છે.આથી લોકો આ વર્ષે વધુ ખરીદી કરે તેવી શક્યતા છે.
કેટલાંક બુલિયન ટ્રેડર્સનું માનવું છે કે વેચાણકારો સોના કરતા સ્ટોક માર્કેટમાં વધુ ઈન્વેસ્ટ કરે તેવી શકયતા છે. આથી સિક્કા અને લગડી કરતા આ વર્ષે ઘરેણાની ડિમાન્ડ વધારે છે. અંદાજ મુજબ ૭૦ ટકા ખરીદી ઘરેણાની થાય છે જયારે ૩૦ ટકા સિક્કા અને લગડીની.
સોના સાથે ચાંદીની માંગ પણ વધી છે. સિક્કા અને લગડી ઉપરાંત ચાંદીની ચીજવસ્તુઓની પણ માંગ વધી છે. જે લોકો ધનતેરસે સોનુ કે ચાંદી ખરીદવામાં માને છે તે લોકો થોડી ચાંદી તો ખરીદશે જ.