વાંકાનેરમાં સિક્યુરિટી ગાર્ડને એક અજાણ્યો બાઇકસવાર કોમ્પ્યુટરનું પાર્સલ છે તેમ કહી પાર્સલ આપી જતો રહ્યો હતો અને તે માલિક ને આપી ફોન કરવા જણાવ્યા બાદ જતો રહ્યો હતો જે પાર્સલ ખોલતા સર્કિટ જેવું શંકાસ્પદ લાગતા રાજકોટ બોમ્બ સ્કવોર્ડને જાણ કરાતા મોરબી જિલ્લાની પોલીસ અને બોમ્બ સ્કવોર્ડ ઘટના સ્થળે પહોંચી હતી
વિગતો મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા સેટમેક્સ સિરામિકમાં સાંજના સમયે એક અજાણ્યો હિન્દીભાષામાં વાત કરતો બાઇકસવાર શખ્સ ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડને કોમ્પ્યુટરનો સામાન હોવાનું જણાવી ગિફ્ટ પેકેટમાં આપ્યું હતું અને ફેક્ટરીના મેઈન માલિકને આપી દેવા સાથે એક મોબાઇલ નંબર આપી વાત કરવા તેમાં વાત કરવા જણાવ્યું હતું. જે બાદ ફેક્ટરીના ભાગીદાર વિનોદભાઈ ભાડજાએ પેકેટ ખોલતા જ તેઓના હોશ ઉડી ગયા હતા, કારણ કે આ બોક્સમાંથી વાયર, બેટરી અને સેલ જેવી વસ્તુ જણાતાં બૉમ્બ હોવાની શંકા લાગતા તેઓ એ પોલીસ ને જાણ કરી હતી.
મોરબી એસપીએ જણાવ્યું હતું કે, ફેકટરીમાં અજાણ્યો શખ્સ પાર્સલ મૂકી ગયો હતો. જેને બૉમ્બ સ્કોડે ખોલ્યું હતું. તેમાંથી વાયરિંગ સહિતની ઘડિયાળ મળી હતી. હાલ આ પાર્સલને FSLમાં તપાસ માટે મોકલવામાં આવ્યું છે. તેમાંથી કોઈ સ્ફોટક પદાર્થ મળ્યો નથી. આ મામલે વધુ તપાસ ચાલુ છે, બૉમ્બ ની વાત આવતા જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ ઉપરાંત મોરબી ફાયર વિભાગ અને રાજકોટથી બૉમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોર્ડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાર્સલનો કબ્જામાં લઈ તેને ડિફ્યુઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
બોકસ આપવા આવેલા શખ્સે એવી તાકીદ કરી હતી કે તારા માલિકને કહેજે કે આ નંબર પર વાત કરે. બાદમાં યુનિટના માલિકે એ નંબર પર સંપર્ક કરતા ફોન ઉપડ્યો નહીં પરંતુ એસએમએસ આવ્યો કે હું કહું ત્યાં આવી જજે. જેથી બૉમ્બ નો તુક્કો લગાવી પૈસા પડાવવા માટે નું કાવતરું જણાતાં પોલીસે મોબાઈલ નમ્બર ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.પાર્સલની ચકાસણી દરમ્યાન ઘડિયાળ, વાયર અને બેટરી જેવો સામાન મળ્યો હતો. જો કે તેમાં કોઈ વિસ્ફોટક ચીજ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો.
