ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામ ની સીમ માં બાઈક ઉપર જઈ રહેલા યુવાન ઉપર માનવભક્ષી દીપડાએ હુમલો કરી યુવાન નું માથું ધડ થી અલગ કરી ફાડી ખાતા ભારે દેકારો મચી ગયો છે અને ગામ માં અરેરાટી ફેલાઈ ગઈ છે.
કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામે પોતાના પરિવાર સાથે રહેતા અજિતભાઈ ભેડા ગત રાત્રિના નવેક વાગ્યે દૂધ દઈને ગામમાંથી વાડી તરફ જઈ રહ્યા એ સમયે રસ્તામાં દીપડાએ તેમની પર હુમલો કરી પછાડી દઈ નજીકના કપાસના ખેતરમાં ઢસડી લઈ જઈ ફાડી ખાતા ભારે ચકચાર મચી ગઇ છે.
વહેલી સવારે વાડીએ જઈ રહેલા અમુક ગ્રામજનોના ધ્યાને રસ્તા પર અજિતભાઈનું બાઈક રેઢું પડેલું મળી આવતાં તરત આજુબાજુમાં શોધખળ કરતાં નજીકના એક ખેતરમાંથી અજિતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ કરાતાં સરપંચ અને વનવિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. અજિતભાઈના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલે ખેસડવા તજવીજ હાથ ધરી છે. આ ઘટના એ આ વિસ્તારમાં ભારે ચકચાર અને ગભરાટ નો માહોલ જોવા મળ્યો છે ત્યારે લોકો હવે સીમ માં જવાનું ટાળી રહ્યા છે અને માનવ ભક્ષી દીપડા ને પકડવા તંત્ર ને જાણ કરતા વન વિભાગ ની ટીમ દોડી ગઈ હતી.
