રામેશ્વર શરાફી સહકારી મંડળીના સંચાલકો છેતરપિંડી કરી ભૂગર્ભમાં
• 4200 થાપણદારો સાથે છેતરપિંડી થતાં ગુનો નોંધાયો, પોલીસે શોધખોળ શરૂ કરી
શહેરમાં વધુ એક શરાફી મંડળીને રાતોરાત તાળાં લાગતાં થાપણદારોની હાલત કફોડી બની ગઇ હતી. રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સહિતના સંચાલકો થાપણદારોના રૂ.60 કરોડ હજમ કરી ભૂગર્ભમાં ઉતરી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
દેવપરામાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતાં સંજયભાઇ જયંતીભાઇ સોજીત્રા (ઉ.વ.41)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય હંસરાજ દુધાગરા, વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી અને મેનેજર વિપુલ રતિ વસોયાના નામ આપ્યા હતા. સંજયભાઇ સોજીત્રાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2011માં તેમના પિતા જયંતીભાઇએ 11 લાખ ફિક્સ ડિપોઝિટ પેટે મંડળીમાં રોક્યા હતા અને સંજય દુધાગરાએ વાર્ષિક 12 ટકા વ્યાજની ખાતરી આપી હતી, પાકતી મુક્ત વ્યાજ સહિતની રકમની નવી રસીદ સંજય દુધાગરા બનાવી આપતો હતો. વર્ષ 2014માં જયંતીભાઇનું નિધન થતાં તેમણે હાથઉછીના આપેલા રૂ.18 લાખ આવ્યા હતા તે રકમ પણ સંજયભાઇએ પરિવારના સભ્યોના અલગ અલગ નામે મંડળીમાં ફિક્સ ડિપોઝિટ પેટે રાખ્યા હતા,અને અત્યાર સુધીમાં ક્યારેય મંડળીમાંથી રકમ ઉપાડી નહોતી.
જૂન 2020માં પાકતી મુદ્દતે સંજયભાઇ રકમ ઉપાડવા ગયા હતા ત્યારે મંડળીના ચેરમેન સંજય દુધાગરાએ પૈસાની સગવડ નથી તેમ કહી બે મહિના પછી નાણાં આપવાની ખાતરી આપી હતી. 28 ઓક્ટોબરે સંજયભાઇના ભાઇ જીતુભાઇ નાણાં લેવા ગયા ત્યારે સંજય દુધાગરા હાજર નહોતો અને મેનેજર વિપુલ વસોયાએ કોઇ સભ્યોને પૈસા આપવા નથી તેમ કહી રવાના કરી દીધા હતા, અને ત્યારબાદ મંડળીને તાળાં મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. મેડિકલ સ્ટોરના સંચાલક સંજયભાઇ સોજીત્રા અને તેના પરિવારના સભ્યોની રકમ તેમજ અન્ય રોકાણકારો અને મંડળીના 4200 સભ્યો સહિત કુલ રૂ.60 કરોડની છેતરપિંડી આચરી સંચાલકો રફુચક્કર થઇ ગયા હતા. સંજયભાઇ સોજીત્રાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત, કાવતરું રચવું સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. લોકો પોતાની બચત કરવા માટે બેન્ક અથવા તો મંડળીનો સહારો લેતા હોય છે ત્યારે સહારો આપવાવાળા જ ભક્ષક અને વિશ્વાસઘાત કરનાર બને તો ભરોસો કોના પર રાખી શકાય.