રશિયાની સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ અદ્દભૂત પ્રદર્શન કરતા અહીં રમાઈ રહેલી તિયાનજિન ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. શારાપોવાએ પુનરાગમન બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ડોપિંગમાં દોષિત ઠર્યા બાદ રશિયન ખેલાડીને 15 મહિનાના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો અને તેણે સ્ટુટગાર્ટ ઓપન દ્વારા પુનરાગમન કર્યું હતું.
30 વર્ષીય શારાપોવા પુનરાગમન બાદ વાઈલ્ડ કાર્ડ દ્વારા સાતમી ટુર્નામેન્ટમાં રમી રહી હતી. તેણે સેમિફાઈનલમાં ચીનની પેન્ગ શૂએઈને 6-3, 6-1થી પરાજય આપ્યો હતો. પાંચ ગ્રાન્ડ સ્લેમ વિજેતા ખેલાડીને પ્રેક્ષકોનું ભરપૂર સમર્થન પ્રાપ્ત થયું હતું.
રવિવારે રમાનારી ફાઈનલમાં શારાપોવાનો મુકાબલો બેલારૂસની અરીના સાબાલેન્કા સામે થશે જેણે ક્વોલિફાયર ખેલાડી સારા ઈરાનીને 6-1, 6-3થી પરાજય આપ્યો હતો. શારાપોવા 2015 બાદ પોતાનું પ્રથમ ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. તેણે છેલ્લે 2015ના મેમાં ઈટાલીયન ઓપન ટુર્નામેન્ટ જીતી હતી.
એપ્રિલમાં પુનરાગમન કરનારી શારાપોવા વર્તમાન સિઝનમાં ઈજાથી પણ પરેશાન રહી છે. ભૂતપૂર્વ નંબર વન ખેલાડીએ સ્ટુટગાર્ટ ઓપનથી પુનરાગમન કર્યું હતું જેમાં તે સેમિફાઈનલ સુધી પહોંચી હતી.
જ્યારે ઈટાલીયન ઓપનમાં તે ઈજાના કારણે બીજા જ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. આ ઉપરાંત સ્ટેન્ડફોર્ડમાં પણ તેણે બીજા રાઉન્ડમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું હતું. ઈજાના કારણે જ તે વિમ્બલડન માટે ક્વોલિફાઈ થઈ શકી ન હતી.
જ્યારે ફ્રેન્ચ ઓપનમાં તેને વાઈલ્ડકાર્ડ એન્ટ્રી આપવામાં આવી ન હતી. શારાપોવા પ્રતિબંધ પૂરો થયા બાદ યુએસ ઓપન તરીકે પોતાની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી હતી જેમાં તે અંતિમ-16 રાઉન્ડથી આગળ વધી શકી ન હતી.