રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગકાંડ માં 6 વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનામાં થયેલી સરકારી તપાસમાં હોસ્પિટલ સંચાલકોની બેદરકારી નહિ નહીં પણ વેન્ટિલેટર જેવા સાધનમાં ખામીના લીધે આગ લાગી હોવાનું તારણ સાથે નો રિપોર્ટ સરકારી અધિકારી એ. કે. રાકેશે તપાસ અહેવાલ રાજ્ય સરકાર ને સોંપ્યો હતો. અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી રાકેશે આ અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની કોઇ ખામી દેખાઇ નથી. આગ લાગવાના કારણમાં ક્યાંય શોર્ટ સર્કિટ કે સાધનોના દેખરેખનો અભાવ પણ નથી.
આ અહેવાલમાં જણાવ્યું છે કે વેન્ટિલેટર સતત 24 કલાક ધમધમતું હોવાથી ઓવર હીટિંગને કારણે આગ લાગી હતી. તપાસ અહેવાલમાં આથી વેન્ટિલેટરની બનાવટની ખામી હોવાનું જણાવાયું છે.
સરકારના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલના જે વોર્ડમાં આગ લાગી તે તથા અન્ય વોર્ડમાં ધમણ વેન્ટિલેટર પણ હતા. જો કે ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગી નહીં હોવાનું પણ જાણમાં આવ્યું છે. તેમ છતાં રાકેશે પોતાના અહેવાલ માં ઉમેર્યુ કે એફએસએલનો આખરી અહેવાલ આવે તેના સૂચનો પણ ધ્યાને લેવાં જોઇએ.
સૂત્રોના જણાવ્યા મુજબ આ તપાસમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક કેબલિંગ નબળી ગુણવત્તાનું ન હતું તેથી શોર્ટસર્કિટ તેને કારણે થયું હોય તેવું કોઇ કારણ માની શકાય તેમ નથી. આ ઉપરાંત કોઇ પણ જગ્યાએ બ્લાસ્ટ પણ નહીં થયો હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે. જો કે આગ લાગ્યા પછી તેને કાબૂમાં લેવાના પ્રયાસો અંગે કોઇ ચોક્કસ જાણકારી મળી નથી.
જોકે,ગુજરાત સરકારે રાકેશ ઉપરાંત બીજા અલગ-અલગ સાત પ્રકારની એજન્સીઓને આ અગ્નિકાંડની તપાસ સોંપી હતી. તે પૈકી એફએસએલ અને ભૂતપૂર્વ હાઇકોર્ટ જસ્ટિસ ડીએ મહેતાનો અહેવાલ મહત્ત્વનો ગણાય છે. એફએસએલ પોતાનો આખરી તપાસ અહેવાલ આવતા સપ્તાહે સરકારમાં રજૂ કરશે તેમ મનાઈ રહ્યું છે.
