સૌરાષ્ટ્ર ના મોરબી માં પણ એરપોર્ટ ઉભું કરવા ગતિવિધિ તેજ કરવામાં આવી છે અને અહીં ના રાજપર ગામ પાસે એરપોર્ટ બનાવવા પસંદગી થઈ છે.
નાગરિક ઉડ્ડયન વિભાગના સુપ્રીટેન્ડેન્ટ ઈજનેર રાયજાદા અને જમીન સંપાદન અધિકારી સમીર બૂંદેલાએ રાજપર ગામે જે સ્થળ ઉપર એરપોર્ટ બનનાર છે તે જગ્યા ની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તંત્ર પાસેથી જમીનનો કબજો મેળવ્યો હતો. આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવે ટૂંક સમયમાં ડીઆઈએલઆર અને ડીમાર્કેશનની કાર્યવાહી હાથ ધરાશે. હાલ એરપોર્ટ માટે રૂ. 40 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી ત્યાં કમ્પાઉન્ડ વોલ, રનવે અને બિલ્ડીંગ બનાવવામાં આવનાર છે. અહીં દોઢ કિમિ લાંબો રનવે બનાવવામાં આવશે. એરપોર્ટનું કામ એક કે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ જશે તેમ સૂત્રો એ જણાવ્યું હતું. આમ મોરબી ના નગરજનો ની વર્ષો જૂની માંગ પૂર્ણ થવા જઈ રહી છે.
