કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં બીપી, ડાયાબિટીસ, હૃદયની તકલીફ સહીતના મલ્ટીપલ રોગ ધરાવતા મોટી ઉંમરના કોરોનાના અનેક દર્દીઓ સારવાર મેળવી માત્ર ક્રોરોના જ નહિ અન્ય બીમારીઓથી પણ મુક્ત થઈ રહ્યા છે.
આવા જ એક દર્દી બિલ્કીશબેન હસનઅલી ૮૦ વર્ષના વૃદ્ધાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે તેમની સિવિલ હોસ્પિટલ ખાતેની સારવારની વાત રજૂ કરતા જણાવે છે કે, અહીંના સ્ટાફના સભ્યોએ મારી દિકરાથી વિશેષ સારસંભાળ લીધી છે. તેઓ ઠંડકથી મારી વાત સાંભળી કોઈપણ જરૂરિયાત હોઈ પુરી કરી આપતા. ભોજન, દવા બધું લેવામાં મને મદદરૂપ બનતા.તેઓનો સરળ સ્વભાવ, આવડતથી હવે હું સ્વસ્થ થઈ રજા લઈ ઘરે સુખરૂપ જઈ રહી છે.
બિલ્કીશબેનની સારવાર કરતા મેડિસિનના ત્રીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા ડો. અભય ગંભીર જણાવે છે કે, બિલ્કીશબેનને શ્વાસ લેવામાં તકલીફ હતી, ખાંસી અને શરદી હોઈ તેમનો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવેલો. તેમને ૫ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલા હતાં. તેમને હૃદય અને બી.પી. ની પણ બીમારી હોઈ તેમની સ્થિતિ નાજુક હતી. પરંતુ તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોઈ ૧૦ દિવસમાં તેઓ સ્વસ્થ થઈ ગયા છે. હાલ તેઓને કોઈ તકલીફ ન હોઈ અને કોરોના નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે.
ડો. ગંભીર જણાવે છે કે, કોરોના થયા બાદ સારવાર લેવી પડે તેના કરતા કોરોના સંક્રમિત ના થઈએ તે માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. જો દરેક લોકો સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથ વારંવાર ધોવાનું રાખે તો આપણે ચોક્કસ કોરોનાથી બચી શકીએ.