રાજકોટ માં કોવિડ હોસ્પિટલમાં બનેલા ગોઝારા આગ કાંડ માં હોસ્પિટલ ના આઇસીયુમાં આગ લાગી તે કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ ભાડેથી લેવામાં આવી હોવાની વાત બહાર આવી છે.
હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટર ભાડેથી લેવાયા બાદ તેમાં વીજલોડ વધારો માંગી વાયરીંગ બદલવામાં નહી આવતા નબળું વાયરીંગ સળગી ઉઠતા આ ઘટના બની હતી. રાજકોટની ઘટનામાં હોસ્પિટલના સંચાલકોએ 70 કિલો વોટનો લોડવધારો માગ્યો હતો. પરંતુ, અંદરનું વાયરિંગ બદલાવ્યું નહીં અને જીવીસીએલના કોન્ટ્રાક્ટરે સબ સલામતનું સર્ટિફિકેટ પણ આપી દેવાની ચોંકાવનારી વાત પણ બહાર આવી છે.
આ ઉપરાંત સતત 24 કલાક ચાલુ રહેતા મેડિકલની ઈક્વિપમેન્ટના કારણે પણ શોર્ટ સર્કિટ થયાનું મનાઈ રહ્યું છે. જો કે સૌથી મોટું કારણ તો નબળું વાયરિંગ જ જવાબદાર છે. થોડા રૂપિયા બચાવવા માટે લોડવધારો માગતા હોસ્પિટલના સંચાલકો પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ કરીને સલામતનું સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે અને આવી વૃત્તિના કારણે જ આઇસીયુમાં આગ લાગે છે તેવું નિષ્ણાત જણાવી રહ્યા છે.
ઉદય કોવિડ હોસ્પિટલ સપ્ટેમ્બર મહિનામાં 70 કિલોવોટનો વીજલોડ વધારો લેવાયો છે અને પીજીવીસીએલ દ્વારા આ પ્રમાણે લોડ વધારા ઉપરાંત વાયરિંગ પણ કરી આપ્યું છે પરંતુ વીજ કંપનીની કામગીરી 11 કેવી લાઈનથી ગ્રાહકના મીટર સુધી લાઈન પહોંચાડવાની છે. ત્યારબાદ ગ્રાહકે પોતાના બિલ્ડિંગની અંદરનું વાયરિંગ પોતે જ મેન્ટેઇન કરવાનું રહે છે. ઉપરાંત આ હોસ્પિટલમાં 70 કિલો વોટનો વધારો સપ્ટેમ્બર મહિનામાં લેવાયો એનો મતલબ કે અત્યાર સુધી આ હોસ્પિટલ 70 કિલોવોટથી ઓછા લોડમાં ચાલતી હતી.
ત્યારે વાયરિંગ લોડની ક્ષમતા બરાબર હતી, વાયરિંગ લોડ વધારો ખમી ન શક્યું અને અકસ્માત થયો. સામાન્ય રીતે 100 કિલોવોટથી ઓછો લોડવધારો હોય તો વીજકંપનીની બહાર બેસતા કોન્ટ્રાક્ટર વાયરિંગ બરાબર હોવાનું સર્ટિ. બારોબાર આપી દેતા હોય છે.રાજકોટની આગ લાગવાની ઘટનામાં મુખ્ય કારણ વાયરિંગ ચેક નહીં કરાયું, હોસ્પિટલના એક કરતા વધુ ઉપકરણો સતત ચાલુ રહેતા વાયરીંગની ક્ષમતા કરતા લોડ વધી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું એક મીડિયા રીપોર્ટ માં જણાવાયુ છે. વિગતો મુજબ રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનં સંચાલન ગોકુળ હોસ્પિટલ કરે છે. આ અગાઉ શિવાનંદ મિશન આંખની હોસ્પિટલ ચાલતી હતી. ગોકુળ હોસ્પિટલ દ્વારા આ હોસ્પિટલ ભાડે રાખવામાં આવી છે અને 3 મહિના અગાઉ જ કોવિડ સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. ડૉ. પ્રકાશ મોઢા સંચાલન કરે છે જ્યારે ડૉ. તેજસ કરમટા હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ છે.
