હાલ કોરોના માં સ્કૂલો બંધ છે ત્યારે વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં પૂરી ફી ભરી દેવા દબાણ કરતી રાજકોટ ની ત્રણ શાળાઓ સામે વાલીઓ ની ફરિયાદ ને આધારે દાદાગીરી કરતા સંચાલકો ને ડીઈઓએ નોટિસ ફટકારતા આવા શાળા સંચાલકો ફફડી ઉઠ્યા છે.
ડીઈઓ એ સાત દિવસમાં શાળા સંચાલકો પાસે આ બાબતે ખુલાસો આપવા જણાવ્યું છે. રાજકોટ ની ઉત્કર્ષ સ્કૂલ, માસૂમ સ્કૂલે વાલીઓને 31 ઓક્ટોબર પહેલા ફી ભરશે તો જ તેમને 25 ટકા ફી માફીનો લાભ મળશે, જ્યારે નિર્મલા કોન્વેન્ટ સ્કૂલે વાલીઓને અત્યારે પૂરી ફી ભરવા અને ત્યારબાદ ચોથો હપ્તો ભર્યા બાદ મળશે તેવું જણાવતા આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીમાં સરકારના આદેશનું ખોટું અર્થઘટન કરવા બદલ રજૂઆત થતાં આખરે જિલ્લા શિક્ષણાધિકારીએ મંગળવારે ત્રણેય સ્કૂલને નોટિસ ફટકારી સાત દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. સરકારે ફી વસૂલવાની છૂટ આપતાં જ શાળાઓએ ઉઘરાણી શરૂ કરી દીધી છે. અગાઉ પણ કેટલીક ખાનગી શાળાઓ ફી મુદ્દે દબાણ કરતી હોવાની પણ ડીઈઓમાં રજૂઆતો કરવામાં આવી હતી. આમ રાજ્ય માં વાલીઓ ને બાળકો ના ભવિષ્ય ને લઈ ચિંતા ઉભી થઈ છે અને સ્કૂલ સંચાલકો ફી મુદ્દે વાલીઓ ને બાન માં લઇ સરકાર ના અને કોર્ટ ના નિર્ણય ને ધ્યાને લીધા વગર મનમાની કરતા હોવાની છાપ ઉભી થઇ છે.
