કેબિનેટની આ અઠવાડિયે યોજાનાર બેઠકમાં હાલની જીએસટી માળખા હેઠળ મધ્યમ અને મોટા કદની કારો અને એસયુવી પરનો સેસ હાલના ૧૫ ટકાથી વધારીને ૨૫ ટકા કરવા માટે એક ઠરાવ જારી કરવા વિચારણા થાય તેવી શક્યતા છે. આમ આવી કારોના ભાવમાં વધારો થશે.
જીએસટી કાઉન્સિલે પાંચમી ઓગસ્ટે આવી કારો પર સેસ વધારવાની મંજૂરી આપી હતી. પહેલી જુલાઇએ જીએસટી આવ્યા બાદ આ કારો સસ્તી થઇ હતી.
જોકે સેસ વધારવા માટે જીએસટી એક્ટ, ૨૦૧૭ની કલમ આઠના શિડ્યુલમાં સુધારાની જરૂર પડે છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘કેબિનેટ એક ઠરાવ જારી કરીને આ સુધારો કરવા અંગે વિચારણા કરશે. માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ જેવા મંત્રાલયોના અભિપ્રાયો મેળવવામાં આવશે.’
સત્ર ચાલુ ન હોય ત્યારે કાયદામાં ફેરફાર કરવા અથવા તેને મંજૂર કરવા માટે એક ઠરાવ જારી કરાય છે. જોકે આ ઠરાવ તેને જારી કર્યાના છ મહિનાની અંદર સંસદની મંજૂરી મેળવીને યોગ્ય કાયદામાં પરિવર્તિત થવો જોઇએ. જીએસટી હેઠળ કાર, તમાકૂ અને કોલસા જેવી ચીજો પર સેસ લેવાય છે.