પિતૃદોષ માંથી મુક્તિ મેળવાવનો યોગ્ય સમય હોય છે પિતૃપક્ષ. હિન્દુ ધર્મમાં શ્રાધ્ધ એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે. પિતૃપક્ષ દરમિયાન કરવામાં આવેલ શ્રાધ્ધકર્મ અને દાન-તર્પણથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે. તેઓ ખુશ થઈને પોતાના વંશજોને સુખી અને સંપન્ન જીવન જીવવાના આશીર્વાદ આપે છે શ્રાધ્ધ દ્વારા આપણે પોતાના પિતૃઓને યાદ કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે દાન ધર્મ કાર્ય કરીએ છીએ.
જ્યોતિષાચાર્ય શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે આપણા ધર્મશાસ્રોમાં કહેવામાં આવ્યુ છે કે પિતૃને પિંડદાન કરનારા દરેક વ્યક્તિ દીર્ઘાયુ, પુત્ર-પૌત્રાદિ, યશ, સ્વર્ગ, લક્ષ્મી, પશુ, સુખ સંપન્ન અને ધન ધાન્ય વગેરેની પ્રાપ્તિ કરે છે. એટલુ જ નહી પિતૃની કૃપાથી જ તે બધા પ્રકારની સમૃદ્ધિ, સૌભાગ્ય, રાજ્ય અને મોક્ષ મેળવે છે.
‘ आयुः पुत्रान् यशः स्वर्ग कीर्ति पुष्टि बलं यिम्।
पशून् सौख्यं धनं धान्यं प्राप्नुयात् पितृपूजनात्।’
આ જ આશા લઈને તેઓ પિતૃલોક પરથી પૃથ્વીલોક પર આવે છે. તેથી દરેક હિન્દુ ગૃહસ્થનો ધર્મ છે કે તે પિતૃપક્ષમાં પોતાના પિતૃ માટે શ્રાધ્ધ અને તર્પણ કરે અને પોતાની શ્રધ્ધા મુજબ પિતૃના નામનું બ્રાહ્મણને દાન કરે.
આમ તો દરેક મહિનામા આવનારી અમાસ પિતૃની પુણ્યતિથિ છે. પણ પિતૃ પક્ષ ની અમાસ પિતૃ માટે પરમ ફળદાયી છે. આ અમાસના રોજ પિતૃ વિસર્જનની અમાસ અથવા મહાલયા કહેવામાં આવે છે. જે વ્યક્તિ પિતૃપક્ષના પંદર દિવસો સુધી શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરતા તેઓ અમાસના રોજ જ પોતાના પિતૃના નામનું શ્રાદ્ધ વગેરે સંપન્ન કરે છે. જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે આ અમાસના રોજ કરવામાં આવે છે.
અમાસના દિવસે બધા પિતૃઓનું વિસર્જન થાય છે. અમાસના દિવસે પિતૃ પોતાના પુત્ર દ્વાર પિંડદાન અને શ્રાદ્ધની આશા લઈને આવે છે. જો ત્યાં તેમને પિંડદાન કે તિલાંજલિ વગેરે ન મળે તો તેઓ શ્રાપ આપીને ચાલ્યા જાય છે. તેથી શ્રાદ્ધને નજરઅંદાજ કે તેનો ત્યાગ ન કરવો જોઈએ.
પિતૃપક્ષ પિતૃઓ માટે તહેવારનો સમય છે. તેથી આ પક્ષમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. જેની પૂર્તિ અમાસના રોજ વિસર્જન તર્પણ વગેરેથી થાય છે.
પિતૃપક્ષના દિવસોમાં લોકો પોતાના પિતરોની સંતુષ્ટિ માટે સંયમપૂર્વક વિધિ વિધાનથી પિતૃયજ્ઞ કરે છે, પણ કામની વ્યસ્તતાને કારણે જો કોઈ શ્રાદ્ધ કરવાથી વંચિત રહી જાય તો તેમણે પિતૃ વિસર્જન અમાસના રોજ સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્ર બોલતા સૂર્યને જળ ચઢાવ્યા બાદ ઘરમાં બનેલ ભોજનમાંથી પંચબલિ જેમા સૌ પહેલા ગાય માટે, પછી કૂતરાં માટે, પછી કાગડા માટે, ભગવાન માટે અને ત્યારબાદ કીડીઓ માટે ભોજનનો અંશ આપીને અથવા બ્રાહ્મણ ને ભોજન કે અન્ન નું દાન કરી શ્રદ્ધાપૂર્વક પિતૃઓ પાસે બધી રીતે મંગળકારી હોવાની પ્રાર્થના કરી ભોજન કરવાથી શ્રાધ્ધ કર્મની પૂર્તિનુ ફળ જરૂર મળે છે અને એ વ્યક્તિ ધન, સમસ્ત સુખ વગેરેની પ્રાપ્તિ કરી મોક્ષને મેળવે છે.