પિતૃપક્ષ પછી 18 સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. આ મહિનાના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ શરૂ થશે નહીં. અધિકમાસને અધિમાસ, મળમાસ, પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિકમાસના કારણે ઋતુ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાયેલો રહે છે. હિંદુ ધર્મમાં તહેવારોની વ્યવસ્થા પણ ઋતુઓના આધારે બનાવવામાં આવી છે. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે છે. દિવાળી ઠંડીની ઋતુની શરૂઆતમાં આવે છે. મકર સંક્રાંતિ ઠંડીના છેલ્લાં દિવસોમાં આવે છે. ઋતુઓના સંધિકાળમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. અધિકમાસના કારણે જે તહેવાર જે ઋતુમાં આવવો જોઇએ, તે ઋતુમાં આવે છે. ભગવાન વિષ્ણુએ મળમાસને પોતાનું નામ પુરૂષોત્તમ આપ્યું છે. સાથે જ, વિષ્ણુજીએ આ મહિનાને વરદાન આપ્યું છે કે, જેઓ આ મહિનામાં ભાગવત કથા સાંભળશે કે વાંચશે, ધ્યાન કરશે, મંત્રજાપ, પૂજા-પાટ કરશે, શિવ પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન અને પવિત્ર નદીઓમાં સ્નાન કરશે, તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિનામાં કરેલાં ધર્મ-કર્મથી માનસિક અશાંતિ દૂર થઇ શકે છે. વિચારોની પવિત્રતા વધે છે અને મન શાંત રહે છે.