બિહારના ગયામાં ભગવાન વિષ્ણુના પગના નિશાન ઉપર મંદિર બનેલું છે. જેને વિષ્ણુપદ મંદિર કહેવામાં આવે છે. તેને ધર્મ શિલાના નામે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃઓના તર્પણ પછી ભગવાન વિષ્ણુના પગના નિશાનના દર્શન કરવાથી દુઃખ દૂર થાય છે અને પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ પદચિહ્નોનો શ્રૃંગાર લાલ ચંદનથી કરવામાં આવે છે. તેના ઉપર ગદા, ચક્ર, શંખ બનાવવામાં આવે છે. આ પરંપરા મંદિરમાં અનેક વર્ષોથી ચાલી રહી છે. આ મંદિર ફલ્ગુ નદીના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. થોડાં ગ્રંથો પ્રમાણે રાક્ષસ ગયાસુરને ધરતી ઉપર સ્થિર કરવા માટે ધર્મપુરીથી ધર્મવત્તા શિલા લાવવામાં આવી હતી. જેને ગયાસુર ઉપર રાખીને ભગવાન વિષ્ણુએ પોતાના પગ નીચે દબાવ્યો હતો. ત્યાર બાદ આ ચટ્ટાન ઉપર ભગવાનના પગના નિશાન છે. એવું માનવામાં આવે છે કે, દુનિયામાં વિષ્ણુપદ જ એવું સ્થાન છે, જ્યાં ભગવાન વિષ્ણુના પગના દર્શન કરી શકાય છે.
મંદિર કસૌટી પથ્થરથી બનેલું છેઃ-
વિષ્ણુપદ મંદિર સોનાને ઘસવામાં આવતાં પથ્થર કસૌટીથી બનેલું છે, જેને જિલ્લાના ઉત્તરના ભાગના પથ્થરકટ્ટીથી લાવવામાં આવ્યાં હતાં. આ મંદિરની ઊંચાઈ લગભગ સો ફૂટ છે. સભા મંડપમાં 44 પિલર છે. 54 વેદીઓમાંથી 19 વેદી વિષ્ણુપદમાં જ છે, જ્યાં પિતૃઓની મુક્તિ માટે પિંડદાન થાય છે. અહીં વર્ષભર પિંડદાન થાય છે. અહીં ભગવાન વિષ્ણુના ચરણ ચિહ્નના સ્પર્શથી જ મનુષ્ય બધા પાપમાંથી મુક્ત થઇ જાય છે.
અરણ્ય વન સીતાકુંડ બન્યુંઃ-
વિષ્ણુપદ મંદિર સામે ફલ્ગુ નદીના પૂર્વ કિનારે સીતાકુંડ સ્થિત છે. અહીં સ્વયં માતા સીતાએ મહારાજ દશરથનું પિંડદાન કર્યું હતું. વ્યવસ્થાપક સમિતિના સચિવ ગજાધર લાલ પાઠકના જણાવ્યાં પ્રમાણે પૌરાણિક કાળમાં આ સ્થળ અરણ્ય વન જંગલના નામે પ્રસિદ્ધ હતું. ભગવાન શ્રીરામ, માતા સીતા સાથે મહારાજ દશરથનું પિંડદાન કરવા આવ્યાં હતાં. જ્યાં માતા સીતાએ મહારાજ દશરથને રેતી ફલ્ગુ જળથી પિંડ અર્પણ કર્યું હતું, ત્યાર બાદથી અહીં રેતીથી બનેલાં પિંડ આપવાનું મહત્ત્વ છે.