આપણા ધર્મગ્રંથોમાં શ્રાદ્ધના પણ અનેક પ્રકાર બતાવ્યા છે. આ બધાનું મહત્વ પણ અલગ-અલગ છે. શાસ્ત્રી કેયુરભાઇ ભટ્ટ કહે છે કે ભવિષ્ય પુરાણ પ્રમાણે શ્રાદ્ધ ૧૨ પ્રકારના હોય છે જે આ પ્રકારે છે
૧. નિત્ય શ્રાદ્ધ : જેમાં કોઈપણ વ્યક્તિ અન્ન, જળ, દૂધ, કુશ, પુષ્પ અને ફળ થી દરરોજ શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને પ્રસ્સન કરી શકે છે.
૨. નૌમિત્તક શ્રાદ્ધ: વિષેશ અવસરે એટલે કે પિતાના મૃત્યુ તિથિના દિવસે આ શ્રાદ્ધ કરાય છે. તેમાં વિશ્વદેવાની પૂજા નથી કરવામાં આવતી પણ ફક્ત એક જ પિંડનું દાન કરવામાં આવે છે.
૩. કામ્ય શ્રાદ્ધ: કોઈ કામના વિશેષ એટલે કે પુત્રપ્રાપ્તિની કામના હોય તો પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
૪. વૃદ્ધિ શ્રાદ્ધ: ઘરની સુખ સમૃદ્ધિ વધારવા અને ઘર પરિવારનું સૌભાગ્ય વધારવા માટે વૃદ્ધિ શ્રાદ્ધ કરવામાં આવે છે.
૫. સપંડિન શ્રાદ્ધ: આ ચાર પાત્રમાં – પ્રેતાત્મા, પિતાત્મા, દેવાત્મા તથા એ અજ્ઞાત આત્માઓ કે જેના વિષે આપણે જાણતા નથી, તેમના માટે કરાય છે.
૬. પાવર્ણ શ્રાદ્ધ: પિતા, દાદા, પરદાદા, દાદી, પરદાદી, સપત્નિકના નિમિત્તે કરવામાં આવે છે. જેમાં બે વિશ્વદેવાની પૂજા કરવામાં આવે છે.
૭. ગોષ્ઠિ શ્રાદ્ધ: સમયે- સમયે જયારે પરિવારના બધા જ સભ્યો ભેગામળીને જે સમયે શ્રાદ્ધ કરે છે તેને ગોષ્ઠિ શ્રાદ્ધ કહેવામાં આવે છે.
૮. કર્માંગ શ્રાદ્ધ: પરિવારમાં જયારે વિશેષ સંસ્કારનો અવસર હોય છે ત્યારે આ પ્રકારનું શ્રાદ્ધ કરવામાં આવે છે.
૯. શુદ્ધયર્થ શ્રાદ્ધ: પરિવારમાં કોઈ અશુભ પ્રસંગ બન્યા પછી આ શ્રાદ્ધ પરિવારની શુદ્ધતા માટે કરવામાં આવે છે.
૧૦. તીર્થ શ્રાદ્ધ: જયારે સહપરિવાર કોઈ તીર્થયાત્રાએ જાય છે ત્યારે તીર્થમાં જઈએ ત્યારે આ શ્રાદ્ધ કરવામાં આવે છે.
૧૧. યાત્રાર્થ શ્રાદ્ધ: કોઈ વિશેષ યાત્રા કરવાની હોઈ તો તે પેહલા આ શ્રાદ્ધ યાત્રાની સફળતામાટે કરવામાં આવે છે.
૧૨. પુષ્ટયર્થ શ્રાદ્ધ: સ્વાસ્થ્ય, સુખ-સમૃદ્ધિ માટે ત્રયોદશી, મઘા નક્ષત્ર, વર્ષાઋતુ અને આસો માસના કૃષ્ણપક્ષ ના દિવસે આ શ્રાદ્ધ કરવાનું એકદમ ઉત્તમ રહે છે.
નિર્ણયસિંધુ પ્રમાણે – દૌહિત્ર(પુત્રીનો પુત્ર), કુતપવેલા(મધ્યાહનનો સમય) અને 3-કાળા તલ આ શ્રાદ્ધમાં અત્યંત પવિત્ર છે અને ક્રોધ, અધ્વગમન(યાત્રા) તથા શ્રાદ્ધ કરવામાં શીઘ્રતા આ ત્રણ વર્જિત છે. આથી કાળા તલનો પ્રયોગ શ્રાદ્ધમાં જરૂર કરવો જોઈએ.
અઠવાડિયાના કયાં વારે શ્રાદ્ધ કરવાથી શું ફળ મળે છે?
કૂર્મ પુરાણ પ્રમાણે શ્રાદ્ધ પક્ષ સિવાય પણ પિતૃઓની પ્રસન્નતા માટે રોજ શ્રાદ્ધ કરવું જોઈએ. કયા દિવસે શ્રાદ્ધ કરવાથી કયું ફળ મળે છે તે જાણો-
રવિવારે શ્રાદ્ધ કરવાથી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.
સોમવારે શ્રાદ્ધ કરવાથી સૌભાગ્યમાં વધારો થાય છે.
મંગળવારે શ્રાદ્ધ કરવાથી બધા કામ સફળ થાય છે.
બુધવારે શ્રાદ્ધ કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.
ગુરુવારે શ્રાદ્ધ કરવાથી મનચાહ્યું જ્ઞાન પ્રાપ્ત થાય છે.
શુક્રવારે શ્રાદ્ધ કરવાથી ધનલાભ થાય છે.
શનિવારે શ્રાદ્ધ કરવાથી ઉંમર વધે છે.