ચુંટણીઓ અગાઉ રાજકીય કાવાદાવા શરૂ થઈ ગયા છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વ્યૂહરચના ચાલું કરી દીધી છે ત્યારે હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પણ સક્રિય થઈ ગયા છે અને રાજકોટ માં હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર પોતાના 30 કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઇ જતા ભાજપમાં ઝટકો લાગ્યો છે.
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં વધુ 5 કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાશે.
આજે હાર્દિક પટેલની અધ્યક્ષતામાં વૉર્ડ નંબર 5નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા, સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, NOGના ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને ABVPના 9 હોદ્દેદારો સહિત 30 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની વાતચીત પાર્ટી સાથે ચાલે છે. આવતા દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જોડાશે. બીજી તરફ આ અંગે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અગાઉ થીજ નક્કી હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ 2 વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યુ હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત કરી હતી.
આમ,રાજકોટ માં રાજકારણ માં ગરમાવો આવી ગયો છે અને પાટલીઓ બદલવાની મૌસમ શરૂ થઈ ગઈ છે.
